Slaughterhouse : જીવદયા પ્રેમી અને પોલીસે કતલખાને લઈ જવાતા 150 પશુઓને મોતના મુખમાંથી બચાવ્યા
બનાસકાંઠા :પાલનપુર પોલીસ અને જીવદયા પ્રેમીઓએ મોડી રાત્રે કતલખાને લઈ જવાતા 150 પશુઓ ભરેલી 10 ટ્રક ઝડપી પાડી છે. ગત મોડી રાત્રિએ રાજસ્થાનથી પશુ ભરીને કતલખાને લઈ જતા હોવાની માહિતી મળી હતી. જેને લઈને જીવદયા પ્રેમીઓ અને પાલનપુર પોલીસ ચિત્રાસણી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રકને થોભાવી ટ્રકોની તલાશી લેતા તેમાંથી ગોંધી રખાયેલા પશુઓ મળી આવ્યા હતા. પોલીસે 10 ટ્રકમાં ભરેલા 150થી વધુ પશુઓને મોતના મુખમાંથી બચાવી દીધા હતા. પોલીસે દસ ટ્રક સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બચાવેલા પશુઓને રાખવા માટે ડીસાની કાંટ પાંજરાપોળને સોંપ્યા હતા. આ પશુઓ ભરેલી 10 ટ્રકો પાંજરાપોળ પહોંચતા જ સંચાલકોએ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી હતી તેમજ પશુઓને ડોક્ટરી સારવાર આપવાની તજવીજ હાથ ધરી હતી. આ બાબતે પાલનપુર પોલીસે જણાવ્યું હતું કે, ટ્રકો ઉભી રખાવતાની સાથે ટ્રક ચાલકો ટ્રકો મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા 10 ટ્રકોમાંથી પશુ છોડાવીને પાંજરાપોળ ખાતે સોંપવામાં આવ્યા અને 10 ટ્રકો કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.