MP અને છત્તીસગઢનું પરિણામ આંચકાજનક-તેલંગણામાં પરિવર્તનની લહેર, અર્જુન મોઢવાડિયાની ચૂંટણી પરિણામ પર પ્રતિક્રિયા
Published : Dec 3, 2023, 3:56 PM IST
|Updated : Dec 3, 2023, 4:49 PM IST
અમદાવાદ : આજે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ પક્ષ બહુમતીથી આગળ છે. ત્યારે વિવિધ રાજકીય નેતાઓ અને આગેવાનોની ચૂંટણી પરિણામને લઈને મિશ્ર પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામોને કોંગ્રેસ માટે નિરાશાજનક ગણાવ્યા હતા.
નિરાશાજનક પરિણામ પર પ્રતિક્રિયા : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ પરિણામ કોંગ્રેસ માટે થોડા નિરાશાજનક રહ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ ચૂંટણીના પરિણામ જાહેર થયા તે પહેલા એક્ઝીટ પોલમાં ભાજપ કરતા કોંગ્રેસ મજબૂત દેખાતું હતું. કોંગ્રેસ પક્ષે બે રાજ્યો ગુમાવીને એક નવું રાજ્ય મેળવ્યું છે, જેનાથી અમને પૂરો સંતોષ નથી અને ફાઈનલ પરિણામનું વિશ્લેષણ કરીને આગળના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.
રાજસ્થાનની જનતાએ પરંપરા જાળવી : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામની વાત કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, રાજસ્થાનની જનતાએ દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરાને જાળવી રાખી છે. જોકે કોંગ્રેસને સન્માનજનક બેઠક મળી છતાં રાજસ્થાનમાં હાર થઈ છે. રાજસ્થાનમાં સરકારની ખૂબ સારી કામગીરી રહી હતી, ઉપરાંત પક્ષ દ્વારા ખૂબ સારા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
MP અને છત્તીસગઢનું પરિણામ આંચકાજનક : મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પરિણામની વાત કરતા વધુમાં તેઓએ જણાવ્યું કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની હાર ખરેખર આંચકાજનક છે. અહીં કોંગ્રેસને શા માટે પરાજય મળ્યો તેના કારણની આત્મખોજ સૌ કોઈ સાથે મળીને કરશે. પરંતુ આ બંને રાજ્યમાં થયેલી હારની પ્રતિતિ કોંગ્રેસ પક્ષ તરફ નહોતી.
તેલંગણામાં પરિવર્તનની લહેર : તેલંગણા વિધાનસભા ચૂંટણી અંગે વાત કરતા ધારાસભ્યએ કહ્યું કે, પાછલા પાંચ વર્ષમાં રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સામૂહિક નેતૃત્વની અંદર જે કામ કર્યું છે અને એક અવાજે મહેનત કરી છે તેનું પરિણામ તેલંગણાની જનતાએ આપ્યું છે. કોંગ્રેસના કાર્યક્રમોનો ત્યાં સ્વીકાર થયો છે અને પરિવર્તન આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અર્જુન મોઢવાડિયા હાલ પોરબંદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પૂર્વ પ્રેસિડેન્ટ પર હતા.