Satvik Traditional Food Festival : નાગાલેન્ડના ઓર્ગેનિક મોમો અને ગુજરાતની લીલી હળદરનું શાક, પરંપરાગત વાનગીની મોજ! - મિલેટ ધાન્ય
Published : Dec 23, 2023, 10:01 PM IST
|Updated : Dec 23, 2023, 10:59 PM IST
અમદાવાદ :સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલની આજે સોલા વિદ્યાપીઠમાં શરુઆત થઇ ગઇ છે. આનંદની વાત છે કે અમદાવાદી સ્વાદરસિયાઓ દ્વારા આજે પહેલા દિવસે જ મોટી સંખ્યામાં પરંપરાગત ધાન્ય અને પ્રાકૃતિક વસ્તુઓમાંથી બનતી વાનગીઓના સ્ટોલ્સ પર ભીડ જમાવવામાં આવી રહેલી દેખાઇ હતી. યુવા પેઢીમાં મોમોઝ નામની વાનગી લોકપ્રિય હોય છે ત્યારે સાત્વિક 2023માં જોવા મળેલ નાગાલેન્ડના સ્ટોલ પર મોમોઝ લોકોને ખૂબ પસંદ આવ્યાં હતાં. અહીંના સ્ટોલમાં લીલી હળદરનું શાક જેવી ગામડાંગામની દેહાતી વાનગી પણ પીરસવામાં આવી રહી છે જેને લઇને લોકો ઉત્સાહથી ટેસ્ટ કરી રહ્યાં છે અને વખાણી રહ્યાં છે. આપને જણાવીએ કે હાલ ફાસ્ટ ફૂડના યુગમાં સાત્વિક ફૂડની મોટી માંગ છે. વિશેષ તો બાજરી, જુવાર, રાગી અને કોદરાથી બનતી વિવિધ વાનગીઓ પ્રત્યે લોકોનું મોટું આકર્ષણ રહ્યું છે. સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું વિશેષ આયોજન મિલેટ ધાન્યને પ્રમોટ કરવા સાથે દેશભરના પ્રયોગશીલ ખેડૂત અને કલાકારોને પ્લેટફોર્મ પૂરી પાડવા કરવામાં આવે છે. સૃષ્ટિ સંસ્થા 21 વર્ષથી સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરે છે. આ આયોજનમાં ઓર્ગેનિક મોમોસએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ મોમોસ લોકોએ ખુબ જ પસંદ કર્યા હતા. આ મોમોસ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. સામાન્ય મોમોસ સ્પાઈસી હોય છે જયારે આ મોમોસ સામાન્ય હોય છે. આ મોમોસના સ્ટફિંગને 'કિમાસ' કહેવામાં આવે છે. આ મોમોસ રાગીના બને છે. મોમોસનું ઉપરનું પડ રાગીથી બને છે જે બજારમાં મળતાં મોમોમાં સામાન્ય રીતે મેંદાથી બને છે.