અમદાવાદમાં સાંસદો, ધારાસભ્યો અને મેયર દ્વારા દેખાવો કરાયાં, શું હતો મુદ્દો જૂઓ - કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર
Published : Dec 9, 2023, 7:08 PM IST
અમદાવાદ :રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા ધીરજ સાહુના ઘરે 300 કરોડ જેટલી રોકડ રકમ મળી આવી હતી. આ કરોડોની રકમ ભ્રષ્ટાચારથી આવી હોવાનો ભાજપ આક્ષેપ કરી રહ્યો છે. ભાજપના નેતાઓએ દેશભરમાં આ મામલે દેખાવો કર્યા હતાં જે શૃંખલામાં અમદાવાદમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને મેયર સહિત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દેખાવો યોજાયા હતાં. કોંગ્રેસ અને ભ્રષ્ટાચારને લઈને ભાજપ હોદ્દેદારોએ સૂત્રોચ્ચાર કર્યાં હતાં અને ભ્રષ્ટાચારીઓને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમના ઓડિશામાં સંબંધીઓ અને નજીકના સહયોગીઓની દારૂની કંપનીઓ પર આવકવેરાના દરોડા દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. ઓડિશાના બાલાંગિરમાં બલદેવ સાહુ અને ગ્રૂપ ઓફ કંપનીઝની ઓફિસમાંથી રૂ. 150 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે અને સંબલપુરની કોર્પોરેટ ઓફિસમાંથી પણ રૂ. 150 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.