Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ - આરોપી તથ્ય પટેલ
અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઇએ મોડી રાત્રે આશરે થયેલા કાર અકસ્માતમાં 9 યુવકોના જીવન હણી લીધાં હતાં. આ ઘટના અકસ્માત સમયે સામેની સાઇડે પસાર થતાં એક વાહનચાલકના કેમેરામાં ઝીલાઇ હતી. ઇસ્કોન બ્રિજ અકસ્માત વિડીયોના દ્રશ્યો જોઇને સ્વાભાવિક અંદાજ આવી શકે છે કે અત્યંત પૂરઝડપે આવેલ કારચાલક દ્વારા ખૂબ જ બેદરકારીથી ગાડી ચલાવતાં એક ટોળાંને અડફેટે લીધાં હતાં. અમદાવાદમાં થયેલા અકસ્માતોમાં આવો ભયંકર અકસ્માત કદાચ પહેલીવાર થયો હોઇ શકે. તે પ્રકારના ગોઝારા અકસ્માતમાં 9 પરિવારના ઘરમાં મોતનો માતમ પસરાવ્યો છે.
પોલીસ કર્મીનું મૃત્યુંઃઅકસ્માતમાં કરુણ મોતને ભેટેલા યુવકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને અને એક હોમગાર્ડ જવાન પણ શામેલ છે. મૃતકો સહિત વીસેક લોકોનું ટોળું ત્યાં થયેલા અન્ય એક અકસ્માતના પગલે ઊભા હતાં ત્યારે આ બીજો અકસ્માત સર્જાયો જેમાં 9 લોકોના મોત થયાં છે. તમામ મૃતકો બોટાદ અને સુરેન્દ્રનગરથી અમદાવાદ ભણવા આવેલા યુવકો હોવાનું જાણવા મળ્યું છે.
150 કિમીની સ્પીડઃ નજરે જોનારાના જણાવ્યાં અનુસાર ઇસ્કોન બ્રિજ પર કર્ણાવતી ક્લબ તરફથી દોઢસોથી વધુની સ્પીડે આવેલી જેગુઆર કાર ચાલકે આ દુર્ઘટના સર્જી હતી. કારની ટક્કરે આવેલા લોકો 25થી 30 ફૂૂટ સુધી ફંગોળાયા હતાં, જેમાં 9ના મોત ઉપરાંત અન્ય 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.
કાયદેસરના પગલાં શરૂઃ અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલને પણ લોકોએ માર મારતાં ઇજા થઇ હોવાથી સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત સમયે જેગુઆર કારમાં એક યુવતી સહિત 4 લોકો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે દોડી આવેલા પોલીસ અધિકારીઓ દ્વારા તમામ કાયદાકીય કાર્યવાહી શરુ થઇ ગઇ છે. જોકે, મૃતકના પરિવારજનોને મળવા માટે પ્રધાન ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ દોડી ગયા હતા.