Ambaji News : કુવા ખોદતા મળી આવેલા સુકા શ્રીફળ ફોડતાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા
અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે નવ નિર્મિત આપેશ્વર મહાદેવ મંદિરની રબારી સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. રબારીવાસ ગોળીયા માં પાણીની તંગીને લઈ એક કુવાનું ખોદકામ કરતા શિવલિંગ આકારનું પથ્થર મળી આવ્યો હતો. જે રબારી સમાજ દ્વારા શિવલિંગ આકારના નીકળેલા ગોળાકાર પથ્થરને મહાદેવના શિવલિંગ સ્વરૂપ માની આપેશ્વર મહાદેવ નામકરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને આજે સમગ્ર રબારી સમાજ દ્વારા વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય કરી આપેશ્વર મહાદેવ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.
શું છે મંદિરનો ઈતિહાસ : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર રોડ, રબારીવાસમાં આપેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. આ મંદિરનો ઈતિહાસ જોતા સને 1986ના દુષ્કાળ ગ્રસ્ત વર્ષ દરમિયાન ગામ લોકોએ પીવાના પાણી માટે વલખા મારતા હતા. જે સમયે ગબ્બર રોડ પર એક નાનો કૂવો આવેલો હતો. તેને અંબાજી ગામનાં રબારી સમાજનાં લોકોએ એકત્ર થઈને ગામ લોકોને પાણીની વિકટ પ્રશ્ન માટે આ કુવાને વધુ ઊંડો ખોદવાનું કામ ચાલુ કરેલુ હતું. જે સમયે કુવો ખોદતાં ખોદતાં આશરે 50 ફૂટ જેટલો ઉડો ખોદાયેલ અને તે સમય કુવામાં યારેયકોર પથ્થર આવેલા હતા.
કુવામાંથી સુકા શ્રીફળ મળ્યા :જે પથ્થરને તોડીને કુવાનું ખોદાણ કામ ચાલુ રાખેલું જે સમયે ખોદકામ કરતાં રબારી સમાજના લોકોને સુકા શ્રીફળ મળી આવેલા હતા. આ શ્રીફળાકાર પથ્થરમાં ગોળાનો અવાજ આવતો તેથી એકત્ર થયેલા તમામ લોકોએ આ શ્રીફળ કાર ગોળઆકારને ફોડતાં અંદરથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલ હતા. તેથી વિધિ વિધાન અનુસાર સ્થાપના કરેલી અને તે જગ્યાએ આપેશ્વર દાદાનું ભવ્ય મંદિર બનાવેલું છે. આ કુવામાં તે દિવસથી આપેશ્વર મહાદેવની કૃપાથી અખૂટ પાણી ભરાઈ રહે છે.
આ પણ વાંચો :અંબાજી માતાના મંદિરે માતાજીના પ્રાગટય દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ચમત્કારીક જગ્યા : આ આપેશ્વર દાદાની જગ્યા પવિત્ર અને ખૂબ જ ચમત્કારીક જગ્યા માનવામાં આવે છે. જ્યાં શરૂઆતમાં કશું જ ન હતું તે જગ્યાએ નાનું મંદિર બનાવી આપેશ્વર મહાદેવને બેસાડવામાં આવતા હતા. જ્યાં સમગ્ર રબારી સમાજના અગ્રણીઓ દ્વારા ફાળો એકત્રીત કરી લાખ્ખો રૂપિયાના ખર્ચે હાલમાં ભવ્ય મંદિર બનાવી વિધિ વિધાન પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
આ પણ વાંચો :અંબાજીની ધરતી પર જોમ સાથે બોલ્યા PM મોદી, શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા શક્તિ મળશે
તમામ ઉત્સવો મંદિરમાં : સમસ્ત રબારી સમાજ યુવા મિત્ર મંડળ તફથી આપેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટથી સ્થાપના કરવામાં આવી છે. આ જગ્યાએ હવે તો દર વર્ષે શિવરાત્રી, નવરાત્રી, શ્રાવણ માસ દરમિયાન બર્ફીલા બાબા અમરનાથ દર્શનનો લ્હાવો મળે છે. તેમજ અંબાજી ગામમાં ઐતિહાસિક પહેલ કરીને ભાદરવી પુનમના મહામેળા દરમિયાન અંબાજીમાં ચાલતા આવતા પદયાત્રિકો માટે મફત ભોજનના ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંબાજી શહેરમાં વિશાળ શોભાયાત્રા સહિત કળશ યાત્રા, મંદિરના પ્રાંગણ માં હોમ હવન તેમજ વિવિધ મૂર્તિઓની શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રબારી સમાજના સાધુ સંતોને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.