સુરતમાં મિલમાં કપડાના તાકા પડવાથી ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું - ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું
Published : Dec 7, 2023, 7:46 AM IST
સુરત :જિલ્લામાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. એક બાળક મિલમાં રમી રહ્યોં હતો તે દરમિયાન તેના પર કપડાના તાકા પડતા બાળક દબાઈ ગયો હતો અને શ્વાસ રૂંધાઇ જવાથી મોતને ભેટ્યો હતો.
બાળકનું મોત થયું : માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આવેલ રાજ ઈન્ડસ્ટ્રીયલમાં શ્રી રામદેવ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં માતા સાથે રમતો ત્રણ વર્ષનો બાળક કાપડના તાકાના પોટલા નીચે દબાઈ જતાં શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યો હતો. જે અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.
પરિવાર યુપીનો હતો : પ્રકાશ સિનેમાની ગલીમાં અભિતાભ બચ્ચનની ગલીમાં રૂમ નં 26માં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી પરિવાર મજૂરી કરી પેટીયુ રડી ખાય છે. ઘરના મોભી તિર્થસિંગ રાજપૂત અને તેની પત્ની મધુબહેનનો ત્રણ વર્ષનો દીકરો સંસ્કાર માતા મધુ સાથે ફેક્ટરીમાં ગયો હતો. જ્યાં - માતા કામ કરતી હતી અને ત્રણ વર્ષનો સંસ્કાર કાપડના તાકાના પોટલા પાસે રમતો હતો. જ્યાં અકસ્માતે કાપડના તાકા સંસ્કાર પર પડી જતાં તે પોટલા નીચે દબાયો હતો. ઘટના અંગે પિતા તિર્થસિંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલિસે તપાસ હાથ ધરી : કોસંબા પોલીસ મથકના જમાદાર રાહુલએ જણાવ્યું હતું કે, બનાવને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.