જૂનાગઢમાં 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ - જૂનાગઢ
Published : Jan 7, 2024, 12:40 PM IST
જૂનાગઢ :દર વર્ષની માફક આ વર્ષે પણ જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં કુલ 1,175 જેટલા સ્પર્ધકોએ વહેલી સવારે કડકડતી ઠંડીમાં ગિરનારને આબવા માટે દોડ લગાવી હતી. પુરુષ વિભાગમાં અંબાજી મંદિર સુધી 5500 પગથિયા અને મહિલાઓ માટે માળી પરબ સુધી 2,200 પગથિયાંનું અંતર નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તમામ 1175 સ્પર્ધકોએ ખૂબ જ ઉમળકા સાથે સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી સ્પર્ધાને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આજે બપોર બાદ સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોની ચાર કેટેગરીમાં વિજેતા થયેલા 1 થી 10 નંબરના સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ આપીને તેમના આ પ્રયાસને બિરદાવવામાં આવશે.
જિત પછી પ્રતિક્રિયા આપી : સિનિયર અને જુનિયર સ્પર્ધકોમાં સ્પર્ધા ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કરેલા ભાલીયા હરેશ અને મેવાડા ધર્મેશે તેમની પ્રતિક્રિયાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્પર્ધા ખૂબ જ પડકારજનક છે પરંતુ સ્પર્ધામાં ભાગ લઈને સફળતાપૂર્વક તેને પૂર્ણ કરવી તેનો એક ખેલાડી તરીકે અનોખો આનંદ હોય છે જે આજે અમને પ્રાપ્ત થયો છે. પરંતુ ગિરનાર પર્વત પર દોટ લગાવીને ચડતી વખતે કેટલાક સ્પર્ધકો દ્વારા તેમને મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરાયો હતો. આવી જ રીતે અંબાજી મંદિરથી પરત ફરતી વખતે પણ તેમને તેમની સાથેના કેટલાક સ્પર્ધકોએ માર્ગમાં અવરોધ ઊભો કર્યો હતો જેને ખૂબ જ ચિંતાજનક બંને સ્પર્ધકોએ ગણાવ્યો હતો અને જણાવ્યું હતુ કે આ પ્રકારના સ્પર્ધકો ઉપર કાયમી ધોરણે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.