સાબરમતી જેલમાં કેદી પાસેથી 25 પડીકી ગાંજો ઝડપાયો, નાસ્તાના પડીકામાં છુપાવી હતી ગાંજાની પડીકીઓ - અમદાવાદ પોલીસ
Published : Dec 17, 2023, 4:52 PM IST
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અવાર-નવાર કેદીઓ પાસેથી મોબાઇલ તથા પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાતી રહે છે, ત્યારે વધુ એક પાકા કામના કેદી પાસેથી ગાંજાની 25 પડીકી ઝડપાઇ છે. 111 ગ્રામ જથ્થા સાથે કેદી પકડાતા રાણીપ પોલીસ સ્ટેશનમાં NDPS એકટ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ગાંજાની 25 પડીકી સાથે ઝડપાયેલા આ પાકા કામના કેદીનું નામ પ્રિતેશ ઠક્કર છે. તે વિશી વિભાગની ચાનું ગાડું લઈને જઈ રહ્યો હતો, જે શંકાસ્પદ જણાતા જેલના સુબેદાર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું, ત્યારે નાસ્તાના પડીકામાં સેલોટેપમાં લપેટેલી 25 ગાંજાની પડીકી મળી આવી હતી. આ અંગે સેન્ટ્રલ જેલના જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે NDPS એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કરી છે