અમરેલીમાં જળ ઉત્સવ 2023 નો પ્રારંભ, પ્રવાસનને વેગ આપવા 10 દિવસનું આયોજન - દુધાળા ગામ ખાતે જળ ઉત્સવ 2023
Published : Nov 16, 2023, 10:50 PM IST
અમરેલી :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ જળ ઉત્સવનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે 10 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રેરક ઉદ્ધબોધન કરતાં કહ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે.
જળ ઉત્સવ 2023 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે આજથી જળ ઉત્સવ 2023 નો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 10 દિવસીય જળ ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાનની અપીલ : આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આયોજનબદ્ધ રીતે મજબૂત વિકાસનો પાયો વડાપ્રધાને નાંખ્યો છે. પાણી-વીજળી-આરોગ્ય જેવી માળખાકીય સુવિધાઓ છેવાડાના ગામો સુધી પહોંચાડવા વડાપ્રધાને આગવા વિઝનથી સેચ્યુરેશન પોઈન્ટનો વિચાર આપ્યો છે.
10 દિવસનું આયોજન : રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગાગડિયો નદીના કાંઠે યોજાયેલા આ કાર્યક્રમમાં જળ સંરક્ષણના અનેક કાર્યો સંપન્ન કર્યો હતા. પ્રવાસનને વેગ આપવાના ઉદેશ્યથી યોજાયેલ આ કાર્યક્રમ 25 નવેમ્બર સુધી ચાલશે.