નર્મદા ડેમમાં પાણીની સપાટી વધતા 6 મહિનાથી બંધ પાવર હાઉસ શરૂ કરાતા કરોડોની આવક શરૂ
નર્મદાઃ નર્મદા બંધની જળ સપાટી હાલ 127.70 મીટર થઈ છે, જે આ સીઝનની સૌથી મહત્તમ સપાટી છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચાલતા ટર્બાઇનને કારણે આજે પણ 29,740 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેથી હાલ છ માસ બાદ નર્મદા બંધના રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલહેડ પાવર હાઉસના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે. જેને કારણે કુલ 29,187 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. આવક અને જાવક સરખી રહેતા હાલ નર્મદા બંધની જળ સપાટી સ્થિર છે. નર્મદા બંધના જળવિદ્યુત મથકો ચાલી રહ્યાં છે જેનાથી સરકારને દરરોજની 17 મિલિયન વીજ યુનિટથી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે. આ વીજઉત્પાદન માંથી ગુજરાતને 16 ટકા, મધ્ય પ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મળે છે. હાલમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યૂસેક પાણી આપવામાં આવે છે.