વડોદરામાં જળબંબાકાર, કરોડોના ખર્ચે થયેલી પ્રીમોન્સૂન કામગીરી પાણીમાં - ગોત્રી રોડ પર ભુવો પડ્યો
વડોદરામાં છેલ્લા પાંચ કલાકથી 3 ઇંચ અનરાધાર વરસાદને પગલે અલકાપુરી, ગોરવા, સયાજીગંજ સહિત માંડવી, લહેરીપુરા જેવા વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતા રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. જૂના પાદરા રોડથી ગોત્રી તરફ જતા રસ્તા પર ભૂવો પડતા કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરીની પોલ એક ઇંચ વરસાદમાં જ ખુલ્લી ગઈ હતી. 3 ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા લાગી રહ્યું છે કે કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં દર વર્ષે પ્રીમોન્સૂન કામગીરી પાછળ જે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચો માત્ર કાગળ પર જ થઈ રહ્યો છે અને કામગીરીના નામે ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાની કટકી કરી પાલિકાની તિજોરી ખંખેરી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થતાં શહેર માટે પાણીના મુખ્ય સ્ત્રોત આજવા સરોવરની સપાટી 12 વાગ્યા સુધી 212.50 ફૂટ પહોંચી છે જ્યારે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 12.50 ફૂટે પહોંચી હતી.