વડોદરા પોલીસે ફરિયાદી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી, જાણો કારણ - ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન
વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટી પાસે બાઈક પર પસાર થઈ રહેલા નિલેશ કટારા નામના યુવકના ગળામાંથી બે એક્ટિવા સવાર શખ્સોએ સોનાની ચેઈન તોડી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું જણાવ્યું હતું. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવ અંગે પોલીસે પૂછપરછ કરતા નિવેદનોમાં વિરોધાભાસ જણાયો હતો. જેથી પોલીસને શંકા જતા પોલીસ ફરિયાદીને પાણીગેટ પોલીસ મથકે લઈ ગઈ હતી અને તેની કડકાઇથી પૂછપરછ કરતા સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો. ફરિયાદી નિલેશ કટારાએ સોનાની ચેઈન અને રોકડા રૂપિયાનો પોતે જ બારોબાર નિકાલ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા હોવાની ઘટના સામે આવી છે. જેથી પોલીસે ફરિયાદી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.