વડોદરાના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની નિયમો પ્રમાણે ઉજવણી કરાઇ - થર્મલ ગન
વડોદરાઃ બુધવારના રોજ શ્રાવણ સુદ આઠમ જન્માષ્ટમીની વડોદરામાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. જોકે, આ વર્ષે કોરોના મહામારીને લઈ જાહેરમાં તમામ ધાર્મિક તહેવારો નહીં યોજવા સરકારે નિર્ણય લીધો છે. જેથી કરીને જન્માષ્ટમી પર્વની પણ સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે પણ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. ખાસ સોશિયલ ડિસ્ટન્ટને અનુસરી ભજન-કિર્તન સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બુુધવારે રાત્રીના 12ના ટકોરે શ્રીકૃષ્ણ જન્મોત્સવને વધાવવા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, જ્યોતિરનાથજી મહારાજ સહિત મંદિરના મહંત નિત્યાનંદજી સ્વામી, સાધુ-સંતો સહિત દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા. ખાસ કોવિડ 19ની ગાઈડ લાઈન પ્રમાણે સાવચેતી અને તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યા હતા. દર્શનાર્થે આવતા તમામ ભક્તોને સેનેટાઇઝ અને થર્મલ ગન વડે ટેમ્પરેચર માપ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સૌ ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.