વડોદરામાં ધારાસભ્યના પુત્ર હિરેન સુખડીયાની ગેસ એજન્સીને બંધ કરવા શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત
વડોદરાઃ શહેરની હેપ્પી હોમ ગેસ એજન્સીમાં ચાલતા ગેસ ચોરી રેકેટમાં સંચાલકો સામે ભૂતકાળમાં આક્ષેપો થયેલા હોઇ જે અંગેની સાચી હકીકત તપાસના આધારે જાહેર કરવાની માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા સંચાલિત હેપ્પી હોમ ગેસ એજન્સીમાં ચાલી રહેલા ગેસ ચોરી રેકેટમાં પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે સંચાલક દ્વારા કામ કરતા અને પકડાયેલા કર્મચારીઓના નાર્કો ટેસ્ટની માંગણી કરવામાં આવી છે. સંચાલક ભાજપના ધારાસભ્યનો પુત્ર હોઇ આખી ઘટનામાં માણસો પર દોષનો ટોપલો નાંખી પોતાનો બચાવ કરી રહ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાની હેઠળ પુરવઠા ખાતું તેમજ પોલીસ તંત્ર દ્વારા આવી ગુનાખોરી કરનાર તત્વોની દિશામાં ન્યાયની દિશામાં સત્ય ઉજાગર કરી દોષિતો સામે કાર્યવાહી કરે તેવી માંગણી સાથે વડોદરા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.