સુરતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત શાળાના 4000 જેટલા શિક્ષકોના બે કલાક પ્રતિક ધરણા
સુરત: પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે ઘટાડવાના નિર્ણયનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા હાલ જ રદ કરતા સમસ્યાઓનો સુખદ અંત આવ્યો છે. જો કે, આ વચ્ચે નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ ગ્રેડ પેની માગ કરી છે. શનિવારના રોજ સુરત જિલ્લાની 320 જેટલી નગર પ્રાથમિક અને પ્રાથમિક શાળાના આશરે 4000 જેટલા શિક્ષકોએ બે કલાકના પ્રતીક ધરણા યોજ્યા હતા. શિક્ષક સંઘના પ્રમુખ જીગ્નેશભાઈએ જણાવ્યું કે, રાજકોટ અને ભાવનગરની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ગ્રેડ આપવામાં આવી રહ્યું છે, ત્યારે નગરપાલિકા અને પાલિકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેને લઇ 4000 જેટલા શિક્ષકોએ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી શાળાના પ્રાંગણમાં જ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે માસ્ક પહેરી બે કલાકના પ્રતીક ધરણાંમાં જોડાયા હતા. જો સરકાર આગામી દિવસોમાં શિક્ષકોની માગણી નહીં સંતોશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.