રાજકોટમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકોનો વિરોધ, પોલીસે કરી અટકાયત
રાજકોટઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં શાળા કોલેજો બંધ છે. ત્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, છેલ્લા છ મહિનાઓથી ટ્યુશન ક્લાસીસ બંધ હોવાના કારણે ટ્યુશન સંચાલકોની આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે. જેને લઈને રાજ્ય સરકાર ટ્યુશન ક્લાસીસ અંગે યોગ્ય નિર્ણય લે અથવા આર્થિક સહાય કરે તેવી માંગ સાથે રવિવારે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સંચાલકોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સફેદ વસ્ત્રો પર કાળી પટ્ટી ધારણ કરી હતી. જો કે, વિરોધને લઈને રાજકોટ પોલીસ દ્વારા ટ્યુશન સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી.