વડોદરાના માંજલપુરમાં ગટરના ઢાંકણા ચોરી થવાનો સિલસિલો યથાવત
વડોદરાઃ શહેરમાં તસ્કરોએ માઝા મૂકી છે. ત્યારે હવે ગટરના ઢાંકણા પર બાકી રહ્યા નથી. માંજલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ઢાંકણ ચોરી થઇ હોવાની બૂમો ઉઠવા પામી છે. જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. છેલ્લા એક મહિનામાં તસ્કરો 80થી વધુ ગટરના અને વરસાદી કાંસના ઢાંકણાની ચોરી કરી નાસી છુટતાં સ્થાનિક કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ અગાઉ સામાન્ય સભામાં આ અંગે રજૂઆત કરી પોલીસ ફરિયાદની માંગ કરી હતી. ત્યારે મંગળવારના રોજ શિવમ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં ફરી વખત ચારથી પાંચ ઢાંકણાની ચોરી થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના અને લોકડાઉનમાં તસ્કરોએ ગટરના ઢાંકણાને પણ બાકી મુક્યા નથી તેવું કહી શકાય. પોલીસ માસ્ક પહેર્યા વગરને દંડ ફટકારી રહી છે. પરંતુ બેફામ બનેલા તસ્કરો સામે લાચાર બની રહી હોય તેમ લાગી રહ્યું છે.