જામનગરમાં સાક્ષાત જગદંબા સ્વરૂપા બાળાઓ દ્વારા તલવાર રાસની રમઝટ
જામનગર: ગઇકાલથી નવલા નોરાતનો પ્રારંભ થયો છે ત્યારે જામનગર શહેરમાં નવરાત્રીના પાવનપર્વ નિમિત્તે 250થી વધુ સ્થળોએ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના હાથીકોલોનીમાં આશાપુરા ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ઝાંસીકી રાણીની વેશભૂષા પર બાળાઓએ અદભુત તલવાર રાસ રમી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખ્યાતનામ આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લે 40 વર્ષથી નવરાત્રી મહોત્સવનું પરંપરાગત રીતે જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના હાથી કોલોની વિસ્તારમા શેરી નં. 2 ખાતે આયોજિત આ મહોત્સવમાં હાલ 95થી વધુ બાળાઓ ભાગ લઈ રહી છે. જેમાં એ, બી અને સી અમે ત્રણ ગ્રુપમાં નાની દીકરીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે ત્યારે ગઈકાલે પ્રથમ નોરતે આ ગરબી મહોત્સવમાં સાક્ષાત જગદંબા સ્વરૂપા બાળાઓ ઝાંસી કી રાણીની વેશભૂસા સજ્જ થઈ તલવાર રાસ રમી હતી. આદ્યશક્તિ મા અંબાની આરાધનાના આ પાવન આવસરે મોટી સંખ્યમાં દર્શક ભકતો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આશાપુરા ગરબી મંડળ દ્વારા આયોજિત મહોત્સવમાં માંડવી રાસ, મણિયારો રાસ, તલવાર રાસ, ઝવેરચંદ મેઘાણી રાસ, સહિતના રાસ દર વર્ષે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.