સુરતમાં સ્નેચરો બેફામ, નવાપરા નજીક રાહદારી યુવકને ચપ્પના ઘા મારી તેનો માબાઈલ લૂંટી 2 સ્નેચર ફરાર - તસ્કરો યુવકને ચપ્પુ મારી થયા ફરાર
સુરતમાં સ્નેચરો બેફામ બન્યા છે. હાલમાં જ મોબાઈલ સ્નેચરો કીમ માંડવી રોડ પર નવાપરા નજીક પસાર થઈ રહેલા પરપ્રાંતીય યુવકનો મોબાઈલ ઝૂંટવીને લઈ ગયા હતા. તસ્કરો આ યુવકને ચપ્પુના ઘા મારી ફરાર થયા હતા. અત્યારે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પીડિત યુવક મૂળ છત્તીસગઢનો છે અને તે માંગરોળ તાલુકાના નવાપરા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરે છે. કંપનીનું કામ કરીને તે ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જ 2 સ્નેચર બાઈક પર આવ્યા હતા અને તેને સરનામું પૂછવાના બહાને ઉભો રાખ્યો હતો. ત્યારબાદ સ્નેચરોએ યુવકના હાથમાં રહેલો મોબાઈલ આંચકી લીધો હતો. જોકે, યુવકે વિરોધ કરતા તસ્કરોએ યુવકને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.