વાહ રે... રાજકોટ સિવિલ તંત્ર, મૃતદેહ સોંપ્યા બાદ યાદ આવ્યું પોસ્ટમોર્ટમ તો રહીં ગયું, ચાલુ અંતિમ ક્રિયાએ પરત બોલાવ્યા - body of the deceased without postmortem
રાજકોટ: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગોંડલના સિદ્ધાર્થ નગરમાં રહેતા બટુક ભાઇ પોપટભાઇ કાંડોલીયાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ પરિવારજનો પણ મૃતદેહ લઇને ગોંડલ ખાતે ઘરે પહોંચ્યા હતા અને મૃતકની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જો કે, અંતિમવિધિ થાય તે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મૃતકના સ્વજનોને પોસ્ટમોર્ટમ કરાવવા માટેનો ફોન આવતા, સ્વજનોએ અંતિમક્રિયા પડતી મુકીને ફરી બટુકભાઈનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોરોના દર્દીને માર મારવાને લઈને વીડિયો વાયરલ થતા હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવતા હોસ્પિટલ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.