108 અંગે મુખ્યપ્રધાન દ્વારા તપાસના આદેશ બાદ કલેક્ટરનો લુલો બચાવ, જુઓ વીડિયો...
રાજકોટઃ શહેરમાં 4 ઓક્ટોમ્બરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાતે રહેતા અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કૌટુંબિક ભાઈ અનિલ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પરિજનો દ્વારા 108ને ફોન કરીને જાણ કરવામાં આવી હતી પરંતુ, 108 એમ્બયુલન્સ 40 થી 45 મિનિટ મોડી પહોંચી હતી. આ કારણે અનિલભાઈને સારવાર મળે તે પહેલાજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈને તેમના પરિજનો દ્વારા 108 મોડી પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી કૌટુંબિક ભાઈના પરિજનોને સાંત્વના આપવા પહોંચ્યા ત્યારે અનિલભાઈના પરિજનો દ્વારા આ મામલે રજુઆત પણ કરવામાં આવી હતી. જો કે, CM રૂપાણીએ સમગ્ર મામલે તાત્કાલિક જિલ્લા કલેક્ટરને તપાસના આદેશો આપ્યા હતા. આ અંગે કલેક્ટર રમ્યા મોહને તપાસ કરાવ્યા બાદ જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવશે, હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 108ને ફોન કર્યા બાદ લેન્ડમાર્ક આપવાના કારણે 108 બીજા સ્થળ પર પહોંચી ગઈ હતી. ફોન કરનાર વ્યક્તિએ 108ને મોદી સ્કૂલનું લેન્ડમાર્ક આપ્યું હતું. જે ઈશ્વરીયા ગામ પાસે પણ છે. જેને લઈને 108ની ટીમ ત્યાં પહોંચી હતી. આ સાથે જ કોલરે લેન્ડલાઈન પરથી ફોન કર્યો હતો. જેના કારણે 108ની ટીમને તેમનું લોકેશન પણ મળ્યું નહોતું. જો કે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગરની ટીમને પ્રાથમિક રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. હવે આગામી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.