વડોદરામાં સ્વર્ણિમ જયંતી અંતર્ગત મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ 100 કરોડથી વધુનું અનુદાન ફાળવાયું
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા સર્વાંગી શહેરી વિકાસ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા શહેરના જિલ્લા કલેકટર કચેરીના ધારાસભા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો અને મેયર સહિતના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. જ્યાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે વડોદરા મહાનગરપાલિકાને 99.51 કરોડનું અનુદાન ફાળવવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લાની ચાર નગરપાલિકાઓ અને 4.25 કરોડના ચેક આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમ બાદ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કોરોનાને લઈને આવનાર દિવસોમાં આવી રહેલી ભાદરવી પૂનમ, ગણપતિ મહોત્સવ, મોહરમના તાજીયા સહિતના તહેવારો પર શોભાયાત્રા, પદયાત્રા અને જુલુસો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.