ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનોની બેઠક
રાજકોટ જિલ્લાના કાગવડ ગામ ખાતે આવેલા ખોડલધામ મંદિર ખાતે ગુજરાતભરના પાટીદાર આગેવાનોનો અગત્યની મીટિંગ ચાલી રહી છે .આ મીટીંગમાં પાટીદાર સમાજની નામાંકિત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. આજે સવારે 10 વાગ્યાથી ખોડલધામ ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં મહત્ત્વનો મુદ્દો એ પણ અગ્રસ્થાને રહેવાનો છે કે, ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે. નરેશભાઈ પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ખોડલધામના ટ્રસ્ટીઓ જ્યારે સીદસર ખાતે માં ઉમિયાનાં દર્શનાર્થે ગયા હતા ત્યારે સીદસર મંદિરના ટ્રસ્ટીઓને ખોડલધામ દર્શનાર્થે આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો માં ખોડલના આંગણે એકત્ર થયા છે.