વડોદરામાં તાંદલજા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતાં રહીશોએ વેરા માફીની માગ કરી
વડોદરાઃ શહેરમાં 20 વર્ષોથી વસવાટ કરતાં અને 18 વર્ષથી વેરો ભરવાં છતાં પણ પ્રાથમિક સુવિધાઓ નહીં મળતાં તાંદલજાના રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચારો કરી વેરા માફીની માગ કરી હતી. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ખુશ્બૂ નગર, રોશન પાર્ક સહિતની આસપાસની સોસાયટીઓમાં વેરો ભરવા છતાં પણ લોકોને પાણી, ડ્રેનેજ અને રોડ રસ્તાની સુવિધા તંત્ર દ્વારા આપવામાં આવી નથી. આ અંગે ઘણા વર્ષોથી તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર આ વિસ્તારના રહીશોની વાત ધ્યાને નહીં લેતા સ્થાનિક આગેવાન અસફાક મલેકની આગેવાનીમાં વિસ્તારની મહિલાઓએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચારો કરી વેરા માફીની માગણી કરી હતી.