રાજકોટ થયું પાણી પાણી, 2 કલાકમાં 5 ઈંચ વરસાદ - રાજકોટમાં ધમાકેદાર વરસાદ
રાજકોટ: જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઇને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાઇ ગયા હતા. જ્યારે રાજકોટમાં લક્ષ્મીનગરનું નાળુ, રેલવે નગરનો અંડરપાસ, કાલાવડ રોડ પર આવેલો મહિલા કોલેજ અંડર બ્રિજ, સહિતના બ્રિજમાં કમર ડૂબ સુધીના પાણી ભરાયા હતા. બે કલાકમાં રાજકોટમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં અગાઉ પણ ભારે વરસાદ આવ્યો હતો, પરંતુ બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ હજુ સુધી નોંધાયો નથી. 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રાજકોટ મનપા તંત્ર પણ એલર્ટ થયું હતું. જ્યારે રાજકોટના નાના મોટા ડેમ અને તળાવ વરસાદી પાણીના કારણે ફરી ઓવરફલો થયા હતા. શહેરની મુખ્ય નદી આજી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. જેને લઇને નદીની આસપાસ રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી હતી. વહેલી સવારથી જ રાજકોટમાં ધમાકેદાર વરસાદ પડતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.