આણંદમાં આરોગ્ય સેવાઓ ઠપ, 750 કરતા વધારે કર્મચારીઓ હડતાલ પર
આણંદઃ જિલ્લામાં 54 PHCના 750 કર્મચારીઓ દ્વારા તેમની પડતર માગ પૂરી કરવામાં ન આવતાં આજે હડતાલ અને ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત સરકાર વિરોધમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમર્થનમાં આણંદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કામગીરી ચાલું રિપોર્ટિંગ બંધ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આજે 750 જેટલા આરોગ્ય કર્મચારીઓએ પેન ડાઉન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન દરમિયાન જો સરકાર યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ કરશે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરી સરકાર વિરોધી પ્રદર્શન કરવાની ચીમકી પણ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામા આવી હતી.