જામનગરઃ સ્મશાન બનાવવાના મુદ્દે કોર્પોરેટર દેવશી આહિરે 7 દિવસની નગરયાત્રા કરી DMCને આપ્યું આવેદન - જામગરના લેટેસ્ટ ન્યુઝ
જામનગર: શહેરમાં છેલ્લા સાત દિવસથી કોર્પોરેટર દેવશી આહિર નગર યાત્રા કરી રહ્યા હતા. બુધવારના રોજ સાતમાં દિવસે કોર્પોરેટર દેવશી આહિરે મહાનગરપાલિકામાં ડેપ્યૂટી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ત્રીજા સ્મશાનની માગ કરી છે. અગાઉ પણ લાલબંગલા સર્કલ ખાતે ત્રણ દિવસના ઉપવાસ આંદોલન કર્યા હતા. બે વર્ષ પહેલા જનરલ બોર્ડમાં ત્રીજા સ્મશાનનો ઠરાવ પાસ કરવામાં આવ્યો હોવા છતાં પણ હજુ સુધી સ્મશાન બનાવવામાં આવ્યું નથી. હાલ કોરોના કાળમાં કોવિડના દર્દીઓના મૃત્યુ નિપજી રહ્યા છે, ત્યારે સ્મશાનમાં કોવિડના દર્દીઓની બોડી 8થી 10 કલાક લાઈનમાં રાખવામાં આવે છે. કારણ કે, જામનગર શહેરમાં માત્ર બે જ સ્મશાન છે. કોરોનાના દર્દીઓ મૃત્યુ પામે ત્યારે સમગ્ર સ્મશાન ખાલી કરવું પડે છે. શહેરની વસ્તી 7 લાખ જેટલી છે. માત્ર બે જ સ્મશાન હોવાથી અંતિમ વિધિ માટે પણ કાયદેસરની લાઈનો લાગે છે.