જૂનાગઢમાં માણાવદરના જાહેર માર્ગો બિસ્માર હાલતમાં, જુઓ વીડિયો - broken road in Manavadar of Junagadh
જૂનાગઢઃ માણાવદર શહેરના તમામ રસ્તાઓ ખાડામાં ફેરવાઇ ગયા છે. રસ્તામાં મોટા મોટા ગાબડાઓ પડવાથી અકસ્માતો વધી રહ્યા છે અને વરસાદી પાણી ભરવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ અંગે માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ ભાવિન રાઠોડે માણાવદરની દુર્દશા અંગે પાલિકાને લેખિત રજૂઆતો કરી છે. માણાવદરના જાહેર માર્ગો બિસ્માર હોવાથી લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે. તેમા પણ સિનેમા રોડથી મીતડી દરવાજા સુધીનો મુખ્ય રસ્તો તથા રીંગ રોડમાં મોટા મોટા ગાબડાઓ પડેલા હોવાથી નાના મોટા અકસ્માતો થતા રહે છે. પ્રજા પાસેથી વેરાની કડક ઉધરાણી કરતી પાલિકા વિકાસને નામે ચૂપ બેઠી છે. પ્રજા પોતાનો પ્રશ્ર્ન લઇને પાલિકા કચેરીએ જાય છે ત્યારે વેરા ભરપાઇની પહોંચ માગવામાં આવે છે પછી જ ફરિયાદ લેવામાં આવે છે. સરકારના પરિપત્ર મુજબ જે રોડ બનાવવામાં આવે તે કોન્ટ્રાક્ટર પાસે પાંચ વર્ષની ગેરંટી લેવાની હોય છે અને રસ્તામાં ખાડા પડેતો કોન્ટ્રાકટરે ફરી રસ્તો બનાવી આપવો પડે છે પણ આ પાલિકામાં સરકારના પરિપત્રની ઐસીતૈસી કરી ચલાવવામાં આવે છે તો કથિત કોન્ટ્રેક્ટર સામે પગલાં ભરવા માગ કરવામાં આવી હતી. કોરોના જેવા રોગ સમયે પાણી ભરાયેલા ખાડાઓમાં દવાનો છંટકાવ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.