વડોદરામાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિક રહીશોમાં તંત્ર સામે રોષ
વડોદરાઃ મહાનગરપાલિકાનું તંત્ર છાશવારે અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયું છે. માત્રને માત્ર મોટી-મોટી વાતો ફૂંકવી, ખોટી નામના અને પ્રશંસા કેળવી પ્રજાને ભ્રમિત કરવી એ પાલિકા તંત્રની કાયમી શૈલી રહી છે. જ્યાં એસી કેબીનોમાં શહેરના સત્તાધારી પક્ષના પદાધિકારીઓ અને તેમની દાબમાં રહેતા અધિકારીઓ જ્યાં બેસે છે એ વડોદરા મહાનગરપાલિકાની પાછળ સિદ્ધનાથ તળાવ પાસે સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં કચરાના ઢગ મંડાયા છે. અહીં શાળા પણ આવેલી છે. 700થી વધુ પરિવારો અહીં વસવાટ કરે છે. જેઓ પણ તંત્રના પાપે નર્કગાર જીવન ગુજારવા મજબૂર બન્યા છે. અનેક વખત આ અંગે વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશ્નર સહિત વોર્ડ અધિકારીને રજૂઆત કરવામાં આવી પણ ઇસકી ટોપી ઉસકે સર જેવું વર્તન થતા સ્થાનિક રહીશોએ આ ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શનિવારે સવારે સ્થળ પર પહોંચેલા સ્થાનિક કાઉન્સિલર બાળું સુર્વે અને સ્થાનિક રહીશોએ તંત્રના સ્વચ્છતા અભિયાન સામે રોષ વ્યકત કરી નરાજગી દર્શાવી હતી.