મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના 100 વર્ષ પૂર્ણ થતા AMCની શાળાઓને નવા નામ આપાશે
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી ૧૯ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી ટાગોર હોલ, પાલડી ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલના નામ દેશના મહાન વિભૂતિઓના નામ આપવામાં આવશે. ચાલુ વર્ષે ખાનગી શાળામાંથી 8075 વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે મ્યુનિસિપલ શાસન અધિકારીના મતે આ વર્ષે શહેરમાં નવી 10 હાઇટેક મ્યુનિસિપલ સ્કૂલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નારણપુરા, વાસણા ,વટવા ,નિકોલ , બાપુનગર ,અમરાઇવાડી, વસ્ત્રાલ ,અસારવા, મણીનગર, લાંભા વગેરે વિસ્તારોમાં અત્યાધુનિક હાઇટેક શાળા બનાવાશે. નવેમ્બર મહિનામાં અતિ ભવ્ય ઉજવણી કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ શાળાનું અને શ્રેષ્ઠ કર્મચારીનું સન્માન કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે મ્યુનિસિપલ સ્કૂલમાં દર અઠવાડિયે બે શાળામા કેન્સર અવેરનેસના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત દર મહિને ધોરણ-૭ અને ૮ની તમામ વિદ્યાર્થીનીઓને છ સેનેટરી નેપકીનનું એક પેકેટ મફત અપાશે.