નબળી અર્થવ્યવસ્થા સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી ચીનઃ સંરક્ષણ નિષ્ણાંત - કોવિડ-19 મહામારી
હૈદરાબાદઃ ભારત અને ચીન વચ્ચેના તણાવ પર ઈટીવી ભારત સાથે વાતચીત કરતા સંરક્ષણ નિષ્ણાંત કમર આગાએ કહ્યું કે, ચીન ભારત સાથે યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી. તેમણે જણાવ્યું કે ચીન ભારતને વ્યાપાર હરીફના રૂપમાં જોવે છે. કારણ કે આગામી સમયમાં ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. પૂર્વી લદ્દાખમાં થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પરંતુ ચીન યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી. સંરક્ષણ નિષ્ણાંત કમર આગાએ કહ્યું કે કોવિડ-19 મહામારીએ ચીનની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે તેથી ચીન યુદ્ધ નહીં લડી શકે. તેમણે કહ્યું કે બેઇજિંગનું અર્થતંત્ર નિકાસ પર આધારીત છે, જે મહામારીને કારણે ખુબ પ્રભાવિત થયું છે. ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં કમર આગાએ કહ્યું કે, મહામારીના કારણે નિકાસમાં ભારે નુકસાન આવ્યું છે. ચીનની અર્થવ્યવસ્થા નિકાર પર આધારીત છે અને તેજ પ્રભાવિત થતા આર્થિક રીતે ચીનને ફટકો પડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બેઇજિંગ નવી દિલ્હીને વ્યાપાર હરીફ તરીકે જુએ છે, કારણ કે વિવિધ યુએસ અને યુરોપિયન કંપનીઓ રોગચાળાને કારણે તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ભારતમાં સ્થળાંતર કરી શકે છે. ભારત વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર બની શકે છે, તેથી ચીન ભારતને એક ખતરા તરીકે જુએ છે. આગાએ કહ્યું કે, ચીન શાંતિ વિશે વાત કરે છે, પરંતુ તેની સેનાનું વલણ તેનાથી સંપૂર્ણ વિરુદ્ધ છે. આમાંથી, અનુમાન લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સેના પર નિયંત્રણ ગુમાવી રહ્યાં છે.