10 વર્ષ બાદ ગાયકવાડી ચિમનાબાઈ સરોવર કોરુંધાકોર, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
મહેસાણાઃ આપણા જીવનમાં જળનું ખૂબ જ મહત્વ રહેલું છે માટે કહેવાયું છે કે, વાણી અને પાણીનો યોગ્ય રીતે પ્રયોગ કરવો જોઈએ. પરંતુ કુદરતના ખોળેથી વિનામૂલ્યે મળેલી ભેટની માણસને કિંમત નથી હોતી. મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકાની જીવાદોરી સમાન ગાયકવાડી ચીમનાબાઈ સરોવર 10 વર્ષે ફરી એકવાર કોરુંધાકોર બન્યું છે, આ સરોવર નીરના અભાવે ખેડૂતો અને પશુપાલકો માટે નકામું બન્યું છે. આજથી 100 વર્ષ પહેલાં બનેલું આ સરોવર છપ્પનીયા દુકાળમાં ખેતી અને પશુપાલકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયું હતું. જો કે, તે જ સરોવરમાં આજે એક ટીંપુ પણ પાણી નથી. એક તરફ ચિમનાબાઈ સરોવર પાણી વગર સુકાઈ ગયું છે અને ખેડૂતો માટે પશુપાલકો માટે ઉપયોગી નથી રહ્યું, ત્યારે રાજકીય લોકો માટે આ સરોવર ચૂંટણી ટાણે ફાયદો અપાવતું હોવાના કાવાદાવા પણ સ્થાનિક રાજકીય અગ્રણીઓ દ્વારા કરાઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ, સરોવરમાં ચૂંટણી ટાણે પાણી અપાય છે, બાકીના વર્ષ આ સરોવરની સરકાર કે તંત્ર કોઈ ભાળ લેતું નથી.