હૈદરાબાદ:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ફેફસાનું કેન્સર વિશ્વભરમાં કેન્સરના મૃત્યુનું મુખ્ય કારણ છે, જે દર વર્ષે 1.7 મિલિયનથી વધુ લોકોના મૃત્યુ માટે જવાબદાર છે. ફેફસાના કેન્સરના 85% કેસ તમાકુના સેવન અને ધૂમ્રપાન જેવા હાનિકારક વ્યસનોને કારણે છે. ધૂમ્રપાન એ સૌથી અગત્યનું કારણ હોવા છતાં, અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતા ધૂમ્રપાનના ધુમાડાના સંપર્કમાં, એસ્બેસ્ટોસ અથવા રેડોન ગેસ જેવા પર્યાવરણીય પ્રદૂષકો પણ રોગને વધુ જીવલેણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વિશ્વ ફેફસાના કેન્સર દિવસનો ઇતિહાસ:આ ઝુંબેશ સૌપ્રથમવાર 2012 માં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ કેન્સર (IASLC) અને અમેરિકન કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન્સ સાથે મળીને ફોરમ ઓફ ઇન્ટરનેશનલ રેસ્પિરેટરી સોસાયટીઝ (FIRS) દ્વારા આયોજિત કરવામાં આવી હતી. IASLC એ વિશ્વની તેની પ્રકારની સૌથી મોટી સંસ્થા છે જે ફક્ત ફેફસાના કેન્સરને સમર્પિત છે.
આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?:જાગરૂકતા વધારવા માટે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ લંગ કેન્સર ડે ઉજવવામાં આવે છે. આ દિવસે, વિશ્વભરના લોકો ફેફસાના કેન્સરથી બચી ગયેલા લોકોની ઉજવણી કરે છે. ફેફસાનું કેન્સર એ કેન્સરના સૌથી સામાન્ય પ્રકારોમાંનું એક છે અને તે દર વર્ષે લાખો લોકોના જીવ લે છે. WHO મુજબ, 2020 માં, ફેફસાના કેન્સરથી 1.8 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા અને કેન્સર મૃત્યુના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે.