- ભારતીયો માટે સૌથી વધુ પરેશાની બાબતે સર્વે
- સર્વેમાં ભારતીયોમાં ખૂબ ઊંચું સ્ટ્રેસ લેવલ જોવા મળ્યું
- સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ખૂબ ઊંચુંં છે સ્ટ્રેસનું પ્રમાણ
તણાવ (STRESS)એક સર્વવ્યાપી સમસ્યા છે, જે ઘણા કારણોસર સર્જાઇ શકે છે. નિષ્ણાતો કહે છે કે જીવનમાં થોડો તણાવ જરૂરી છે, કારણ કે તે આગળ વધવા અથવા વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા બની શકે છે. પરંતુ વધુ પડતો તણાવ બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે.
તણાવ (STRESS) જેવી માનસિક સ્થિતિ વ્યક્તિની કાર્યક્ષમતાને જ નહીં તેના સામાન્ય જીવનને પણ અસર કરે છે. એટલે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સમયસર તણાવના લક્ષણો જાણીને તણાવમુક્ત થવા પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ સમસ્યા એ છે કે મોટાભાગના લોકો તેમની રોજિંદી નાનીનાની ચિંતાઓ અને ગભરાટ અને તણાવ વચ્ચેનો તફાવત સમજી શકતાં નથી. જ્યારે તેઓ આ સમસ્યા વિશે જાણે છે ત્યાં સુધીમાં તો તણાવના તેના પ્રભાવમાં આવી ગયાં હોય છે.
વિશ્વભરમાં તણાવને લઇ WHO રીપોર્ટ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નો એક રિપોર્ટ કહે છે કે વિશ્વભરમાં આશરે 800 મિલિયન લોકો કોઇને કોઇ પ્રકારની માનસિક સમસ્યાથી પીડિત છે. વર્ષ 2019 માં સિગ્ના કોર્પોરેશન અને ટીટીકે ગ્રુપ અને મણિપાલ ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા 'વેલિંગ બીઇંગ સર્વે'ના પરિણામોમાં (Stress levels among Indians) જાણવા મળ્યું છે કે 82 ટકા ભારતીયો કામ, આરોગ્ય અને નાણાં સંબંધિત બાબતોને લઇને ટેન્શનમાં રહે છે.
સર્વે રીપોર્ટ શું કહે છે?
આ સર્વે અનુસાર ભારતમાં 35 થી 49 વર્ષની વયના લગભગ 89 ટકા ભારતીયો તણાવગ્રસ્ત (STRESSED) છે. જ્યારે 87ટકા યુવાન વયસ્કો અને 50 વર્ષથી વધુ વયના 64 ટકા લોકો આ સમસ્યાથી પીડાય છે. આ સર્વે અનુસાર 84 ટકા કામ કરતા ભારતીયો માનસિક દબાવ અનુભવે છે. જ્યારે 70 ટકા કામ ન કરતાં ભારતીયો પણ તણાવમાં છે. તણાવનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં (Stress levels among Indians) વધુ ઊંચુ જોવા મળ્યું છે.
સર્વેમાં 84 ટકા પુરુષોમાં તણાવની (Stress levels among Indians) સમસ્યા જોવા મળી. તેની સામે મહિલાઓમાં આ આંકડો 74 ટકા હતો. સર્વેમાં બહાર આવ્યું છે કે મોટાભાગના લોકોમાં તણાવનું કારણ વ્યક્તિગત સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ હતી, જેના કારણે તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થતો હતો એટલું જ નહીં તેમનામાં નિયમિત ધોરણે માથાનો દુઃખાવો અને થાક જેવા લક્ષણો પણ જોવા મળ્યાં હતાં.
તણાવના કારણો શું છે?
તણાવના કારણો અને સામાન્ય જીવનમાં તે અટકાવવાની રીતો વિશે ETV Bharat Sukhibhavને વધુ માહિતી આપતા મનોચિકિત્સક ડો.વીણા કૃષ્ણન જણાવે છે કે રોજિંદા જીવનમાં કેટલીક વખત નાની વસ્તુઓ તણાવનું (STRESS) કારણ બની શકે છે, જે સામાન્ય છે. પરંતુ જો તણાવ લાંબા સમય સુધી રહે તો શારીરિક સ્વાસ્થ્યને અસર કરવાનું શરૂ કરે છે. અમુક માત્રામાં તણાવ સારો છે કારણ કે તે લોકોને વધુ સારું કામ કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ જ્યારે તણાવ વિચારશક્તિને અસર કરે ત્યારે તે સમસ્યા અથવા રોગનું સ્વરૂપ લે છે. જેના કારણે ચિંતાના લક્ષણો દેખાવા લાગે છે. જેમ કે બેચેની, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અથવા પ્રતિભાવ ન આપી શકવો વગેરે. સાથે જ શારીરિક સ્વાસ્થ્ય પર પણ તેની ઊંડી અસર પડે છે.
ડો.વીણા કૃષ્ણન કહે છે કે કેટલીક વખત તણાવ (STRESS) માત્ર કામના સ્થળ કે ઘરના કારણે થતો નથી, પરંતુ જીવનશૈલીની સમસ્યાઓ પણ કારણ બની શકે છે. જેમ કે ઓછી અથવા વધારે ઊંઘ, ખોરાકમાં પોષક તત્વોનો અભાવ, અસંતુલિત જીવનશૈલી, કસરત ન કરવી વગેરે. આ સિવાય ટીવી અથવા સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવો અથવા વધુ સમાચાર જોવાનું પણ લોકોમાં તણાવ પેદા કરી રહ્યું છે.
તણાવથી કેવી રીતે બચશો
નિષ્ણાતોનું માનવું છે કે વિચાર, જીવનશૈલી અને દિનચર્યામાં થોડા ફેરફારથી તણાવને (STRESS)અમુક માત્રામાં નિયંત્રિત કરી શકાય છે.