વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે (ડબલ્યુઓડી-WOD) દર વર્ષે વિશ્વભરમાં 20મી ઑક્ટોબરના રોજ ઉજવાય છે. આ દિવસ ઓસ્ટિયોપોરોસિસની રોકથામ, નિદાન અને સારવાર માટે વૈશ્વિક જાગૃતિ કેળવવા માટે સમર્પિત છે.
WODનું ધ્યેય ઓસ્ટિયોપોરોસિસ અને અસ્થિભંગ (ફ્રેક્ચર) અટકાવવાને વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રના વ્યાવસાયિકો, માધ્યમો, નીતિ ઘડવૈયા, દર્દીઓ તેમજ તમામ લોકો સુધી પહોંચીને સ્વાસ્થ્યની પ્રાથમિકતા અપાવવાનું છે.
ઓસ્ટિયોપોરોસિસ કેટલો સામાન્ય છે ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના જણાવ્યા મુજબ, સ્વાસ્થ્યની વૈશ્વિક સમસ્યા તરીકે હાર્ટ ડિસીઝ પછી બીજા ક્રમે ઓસ્ટિયોપોરોસિસ આવે છે. પરંતુ ભારતમાં તેના દર્દીઓની સંખ્યા અન્ય ઘણા દેશો કરતાં વધુ છે. આંકડા દર્શાવે છે કે હાલમાં ભારતમાં લગભગ 3 કરોડ લોકો ઓસ્ટિયોપોરોસિસથી પીડાઈ રહ્યા છે. ઓસ્ટિયોપોરોસિસ પુરુષો કરતાં મહિલાઓમાં વધુ જોવા મળે છે. એવું અનુમાન છે કે ભારતમાં દર આઠમાંથી એક પુરુષ અને દર ત્રણમાંથી એક મહિલા ઓસ્ટિયોપોરોસિસનો ભોગ બનેલી છે. સામાન્ય રીતે 30થી 60 વર્ષનાં લોકો આ સ્થિતિનો સામનો કરી રહ્યા હોય છે. અગાઉ આ સ્થિતિનાં લક્ષણો લોકોમાં 40 વર્ષની વય બાદ જોવા મળતાં હતાં, પરંતુ હવે તો 30 વર્ષથી ઓછી વયના યુવાનોમાં પણ તેના લક્ષણો જોવા મળી શકે છે.
ઓસ્ટિયોપોરોસિસ શું છે ?
નેશનલ ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, ઓસ્ટિયોપોરોસિસ, હાડકાંની એક બીમારી છે, જે જ્યારે શરીરમાંથી હાડકાં મોટા પ્રમાણમાં ઘસાઈ જાય ત્યારે થાય છે, અત્યંત ઓછા પ્રમાણમાં હાડકાં બને છે, અથવા બંને થાય છે. પરિણામે, હાડકાં નબળાં પડે છે અને વ્યક્તિ પડી જાય ત્યારે હાડકાં તૂટે છે, અથવા, ગંભીર કેસમાં છીંક ખાવાથી અથવા નાના ટકરાવથી પણ હાડકું તૂટી જાય છે.
ઓસ્ટિયોપોરોસિસ એટલે છિદ્રાળુ હાડકું. હાડકાંને જો માઈક્રોસ્કોપમાં જોવામાં આવે તોય સ્વસ્થ જણાતું હાડકું મધપૂડા જેવું દેખાય. ઓસ્ટિયોપોરોસિસ થાય ત્યારે મધપૂડામાં જે છિદ્રો અને જગ્યાઓ હોય તે સ્વસ્થ હાડકાંની સરખામણીએ વધુ પહોળાં દેખાય. ઓસ્ટિયોપોરિક હાડકાંએ ઘનતા કે જથ્થો ગુમાવી દીધાં હોય છે અને તે અસામાન્ય ટિસ્યુ સ્ટ્રક્ચર ધરાવતાં હોય છે. હાડકાંની ઘનતા ઓછી થવાને કારણે તે નબળાં પડે છે અને તેની તૂટવાની શક્યતા વધી જાય છે. જો તમે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના હો અને હાડકું તૂટે તો તમારે તમારા ડોક્ટર અથવા સ્વાસ્થ્ય સંભાળ રાખનારને હાડકાંની ઘનતાના પરીક્ષણ વિશે પૂછવું જોઈએ.
ઓસ્ટિયોપોરોસિસ થવાનાં કારણો
જો શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન ડી અને મિનરલ્સ જેવાં પોષકતત્ત્વો, જે હાડકાં માટે જરૂરી છે, તેની ઉણપ હોય તો હાડકાં ઝડપથી ઘસાવાં લાગે છે. ફિઝિશિયનોના મતે ઓસ્ટિયોપોરોસિસનાં મુખ્ય કારણો આ મુજબ છે.
- અસ્થિર જીવનશૈલી
- બિનઆરોગ્યપ્રદ આહાર ટેવો
- નિયમિત કસરતનો અભાવ
- માદક પદાર્થોનું સેવન અને સ્મોકિંગ
- ભેળસેળવાળો ખોરાક અને ઓછી ઉંમરે ડાયાબિટિસ
ઓસ્ટિયોપોરોસિસનાં લક્ષણો
ઓસ્ટિયોપોરોસિસનાં પ્રારંભિક તબક્કાઓમાં દર્દીને આ બીમારીનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. જ્યારે નિતંબ, કરોડરજ્જુ કે કાંડામાં દર્દ શરૂ થાય ત્યારે અને હાડકાં નબળાં પડવાનું અને તૂટવાનું શરૂ થાય ત્યારે તેની જાણ થાય છે. ઓસ્ટિયોપોરોસિસ કેટલાંક ચોક્કસ લક્ષણો દ્વારા ઓળખી શકાય છે.
- પેઢાં ઢીલાં પડવાં
ઓસ્ટિયોપોરોસિસમાં પેઢાં ઢીલાં પડી જાય છે અને દાંત નબળાં પડવાં લાગે છે. જડબાનાં હાડકાંની ઘનતા ઘટવા લાગે છે.
- પકડ ઢીલી પડવી