ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

આંખની નિયમિત અને સર્વાંગી તપાસથી આંખને કાયમી નુકસાન થતું અટકાવી શકાય છે - આંખને થતું નુકસાન

ગ્લુકોમા (ઝામર) એ 12 મિલિયન કરતાં વધુ ભારતીય લોકોને ઝપેટમાં લેનારી આંખની એક નોંધપાત્ર બિમારી છે અને તેમાંથી આશરે દસ લાખ જેટલાં લોકો ગ્લુકોમાના કારણે અસાધ્ય અંધાપાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે લગભગ 78 મિલિયન લોકો આ સ્થિતિનો ભોગ બન્યા છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ગ્લુકોમાને એવી બિમારીઓના એક સમૂહ તરીકે સ્પષ્ટીકૃત કરે છે, જે આંખની ઓપ્ટિક નર્વને હાનિ પહોંચાડી શકે છે. તેના પરિણામે વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવી દે છે અને અંધાપાનો ભોગ બને છે. જ્યારે આંખોની અંદર પ્રવાહીનું સામાન્ય દબાણ ધીમે-ધીમે વધી જાય, ત્યારે ગ્લુકોમા થાય છે. જોકે, તાજેતરનાં સંશોધનો દર્શાવે છે કે, ગ્લુકોમા આંખના સામાન્ય દબાણમાં પણ થઇ શકે છે. આમ, જ્યારે વિશ્વમાં “ધ વર્લ્ડ ઇઝ બ્રાઇટ, સેવ યોર સાઇટ!” (વિશ્વ સુંદર છે, તમારી દ્રષ્ટિને સલામત રાખો) થીમ સાથે 7 માર્ચથી 13 માર્ચ, 2021 દરમિયાન વિશ્વ ગ્લુકોમા સપ્તાહની ઊજવણી કરવામાં આવી, ત્યારે આંખને લગતી ઉપરોક્ત સ્થિતિ વિશેની જરૂરી માહિતી, તેનાં લક્ષણો અને તેની સારવાર માટેના સંભવિત ઉપાયોની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

eye disease
eye disease

By

Published : Mar 15, 2021, 7:20 PM IST

ગ્લુકોમા વિશે સમજૂતી

VINN હોસ્પિટલ ખાતેના કન્સલ્ટન્ટ ફિઝિશિયન MD (જનરલ મેડિસિન) ડો રાજેશ વુક્કલા સમજાવે છે કે, ગ્લુકોમા એ આંખની અંદર ઊભું થતું દબાણ છે. દબાણ સર્જાવા પાછળ વિવિધ કારણો જવાબદાર હોઇ શકે છે અને તે પૈકીનું એક કારણ આંખની અંદરની નસોનું બ્લોકેજ છે. આંખોની અંદર હંમેશા તરલ પ્રવાહીનું પરિભ્રમણ થતું રહે છે. જો આ તરલ પ્રવાહી બ્લોક થઇ જાય, તો તેના કારણે દબાણ ઊભું થાય છે, જેના કારણે પછીથી આંખની નસ પર દબાણ સર્જાય છે અને પરિણામે દ્રષ્ટિ ગુમાવવાની સ્થિતિ સર્જાય છે.

સાથે જ અમે આયુર્વેદની દ્રષ્ટિએ આ સ્થિતિની જાણકારી મેળવવા માટે PhD હિસ્ટ્રી ઓફ આયુર્વેદ ડો. પી વી રંગનાયકુલુ સાથે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, “ઇજા, અકસ્માત, આઘાત, સંક્રમણ (ઇન્ફેક્શન), વારસો, આંખની સર્જરી વગેરે જેવાં પરિબળોને કારણે ગ્લુકોમા થઇ શકે છે. જ્યારે આપણી આંખ તેનું સામાન્ય આંતરિક દબાણ અર્થાત્ હાઇ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર (IOP) જાળવી ન શકે, ત્યારે તેના પરિણામે આંખની નસ પર દબાણ સર્જાય છે અને સમય જતાં તેના કારણે ગ્લુકોમા થાય છે”.

તેના કારણે આવતો અંધાપો અસાધ્ય હોય છે. અમારા આયુર્વેદિક નિષ્ણાત વધુમાં સમજાવે છે કે, આયુર્વેદ સાહિત્યમાં આ બિમારીની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને તેનું આધિમંત તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. લક્ષણોના આધારે ચાર જુદાં-જુદાં જૂથોમાં આ સ્થિતિને વિભાજિત કરવામાં આવી છે. સાથે જ તેમાં કેટલીક સારવારનું પણ સૂચન કરવામાં આવ્યું છે, જો સમયસર આ સારવાર કરવામાં આવે, તો તે અસરકારક નીવડી શકે છે.

ગ્લુકોમાનાં લક્ષણો

ડો. રંગનાયકુલુ ગ્લુકોમા થાય, તે સમયે વ્યક્તિમાં જોવા મળતાં નીચે પ્રમાણેનાં લક્ષણો વર્ણવે છેઃ

  • આંખમાં દુખાવો થવો અને માથું દુખવું
  • આંખો ચોખ્ખી ન રહેતી હોય
  • આંખમાં ખંજવાળ આવતી હોય અને પ્રવાહી નિકળતું રહેતું હોય
  • પ્રકાશમાં ચળકતા ધબ્બા દેખાવા
  • દ્રષ્ટિ ગુમાવવી
  • આંખો ચોંટવી

ડો. વુક્કલા જણાવે છે કે, જો આંખનું ચેક-અપ (જેમાં આંખના પ્રેશરનું માપન કરવામાં આવે છે) કરાવવામાં ન આવે, તો પ્રારંભિક તબક્કે આવાં કોઇ લક્ષણો જણાતાં નથી. જો આંખમાં ગ્લુકોમા હોવાનું નિદાન થવામાં વિલંબ થાય, તો તેના કારણે નસને પહોંચેલું નુકસાન અસાધ્ય હોવાથી કાયમી અંધાપો આવી શકે છે.

સારવાર

ગ્લુકોમામાં કાળજીપૂર્વકની સારવાર લેવી જરૂરી છે, કારણ કે સર્જરીમાં કોઇપણ પ્રકારની ક્ષતિ રહી જતાં આંખને નુકસાન પહોંચી શકે છે. અમારા નિષ્ણાત સમજાવે છે કે, આયુર્વેદમાં ગ્લુકોમાની સારવાર માટે શિરાવેધનો ઉપચાર સૂચવવામાં આવ્યો છે. મલમ સાથે શિરાવેધથી ઉપચાર કરતાં પહેલાં આંખમાં ઔષધિયુક્ત ઘી, ઔષધિયુક્ત ધુમાડો અને આંખના ટીપાં લગાવવામાં આવે છે. ગ્લુકોમાની સારવાર માટે અહીં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છેઃ

પુનર્નવા અને ગોક્ષુરનો 30 મિલી ઉકાળો બનાવવો. આ ઉકાળાનું એક મહિના સુધી દિવસમાં બે વખત સેવન કરવું.

  • ગોક્ષુરાદી ગુગળની બે-બે ગોળીનું એક મહિના સુધી દિવસમાં બે વખત સેવન કરવું.
  • પુનર્નવાનાં બે ટીપાં એક મહિના સુધી દિવસમાં ત્રણ વખત આંખમાં નાંખવાં.
  • વાળમાં બાલધાત્રિયદી તેલ લગાવવું.
  • પાણીમાં સિંધવ મીઠું, લિકોરીસ (જેઠીમધનો શીરો), પીપળી અને ખસનું મિશ્રણ તૈયાર કરીને આંખનાં ટીપાં બનાવવાં.
  • 10 ગ્રામ ત્રિફળગ્રૂથાનું દિવસમાં બે વખત સેવન કરવું.

(ડોક્ટરની સલાહ લઇને જ ઉપરોક્ત સારવાર કરવી)

“આ બિમારીમાં વ્યક્તિ જાતે સારવાર કરી શકતી નથી. નિષ્ણાતની સલાહ લેવી જરૂરી બની રહે છે. ટીપાં કે ઔષધિયુક્ત ઘી આંખમાં લગાવવા જેવી આયુર્વેદિક સારવાર શરૂ કરતાં પહેલાં આ અંગે માર્ગદર્શન મેળવવા માટે આઇ સ્પેશ્યાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે,” તેમ ડો. રંગનાયકુલુએ જણાવ્યું હતું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આંખોને પૂરતો આરામ આપવો, ચમકદાર ચીજો તરફ ન જોવું, પૂરતી ઊંઘ લેવી અને સામાન્ય તંદુરસ્તી જાળવી રાખવી, વગેરેથી ગ્લુકોમામાંથી સાજા થવામાં મદદ મળે છે.

આધુનિક તબીબીશાસ્ત્ર અનુસાર ડો. વુક્કલા સમજાવે છે કે, જો પ્રારંભિક તબક્કે ગ્લુકોમાનું નિદાન થઇ જાય, તો માત્ર આંખના ટીપાં વડે જ તેની સારવાર થઇ જાય છે. જો ગ્લુકોમા વધી ગયો હોય, તો પ્રવાહીના યોગ્ય નિકાલ માટે સર્જરી કરવામાં આવે છે. જોકે, જો ઘણું મોડું થઇ ચૂક્યું હોય, તો કાયમી અંધાપો આવે છે. આથી, આંખને કાયમી નુકસાન થતું અટકાવવા માટે ખાસ કરીને ઊંચું જોખમ ધરાવતા લોકોએ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત આંખની સઘન તપાસ કરાવવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details