ન્યૂઝ ડેસ્ક:ચોખા અને રોટલી એ સ્ટેપલ કાર્બોહાઇડ્રેટ્સ છે અને તેમાંથી ઘણી ઊંચી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. તો, શું રાતના સમયે કાર્બોહાઇડ્રેટ્સનું ઊંચું પ્રમાણ ધરાવતા આવા ખાદ્ય પદાર્થો આરોગવા યોગ્ય છે કે કેમ? તે અંગે અમારાં ન્યુટ્રિશનિસ્ટ અને ડાયાબિટીસ એજ્યુકેટર દિવ્યા ગુપ્તા સમજૂતી આપે છે, જોકે, તેઓ માત્રાના નિયંત્રણ અંગે સાવચેતી દાખવવાની સલાહ આપે છે.
સાંજના સમયે કાર્બોહાઇડ્રેટ્સયુક્ત ખાદ્ય પદાર્થો ન આરોગવા જોઇએ, તેવો ભ્રમ પ્રવર્તે છે, પરંતુ રાતના સમયે આવી ચીજો ખાવામાં કશો વાંધો નથી. એ એક ગેરમાન્યતા છે કે, જો આપણે સક્રિય ન હોઇએ, તો આપણે રાતના સમયે કાર્બ્ઝની એનર્જીનો ઉપયોગ કરતાં નથી, વાસ્તવમાં આપણે આરામ કરતાં હોઇએ, તો પણ આપણું શરીર કાર્બ્ઝ તેનો વપરાશ કરે છે.
તમે કોઇપણ સમયે કાર્બોહાઇડ્રેટ્સયુક્ત આહાર લઇ શકો છો. કાર્બ્ઝ ચરબીમાં રૂપાંતરિત થાય છે અને શરીર આરામમાં હોવાથી તે ચરબી શરીરમાં જમા થાય છે – આ ખોટી માન્યતા છે. વાસ્તવમાં, કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ઊર્જા પૂરી પાડવા માટે શર્કરામાં રૂપાંતરિત થાય છે અને જ્યારે શરીર દ્વારા આ ઊર્જાનો યોગ્ય રીતે વપરાશ ન થાય, તે સમયે જ તે ચરબીમાં પરિવર્તિત થાય છે.
સાંજના સમયે કાર્બોહાઇડ્રેટ્સયુક્ત પદાર્થો ખાવાથી સેરોટોનિન વધે છે તથા કોર્ટિસોલ જેવા તણાવગ્રસ્ત હોર્મોન્સ ઘટે છે, આથી સાંજના સમયે તેનું સેવન કરવાથી તમે હળવાશ અનુભવો અને ઊંઘ સારી આવે, તેવી શક્યતા રહે છે.
કોમ્પ્લેક્સ (જટિલ) કાર્બોહાઇડ્રેટ્સનું સેવન રાત્રે કરવું જોઇએ. આ ખાદ્ય પદાર્થોમાં શક્કરિયાં, બ્રાઉન રાઇસ, ઘઉંની બ્રેડ અને પાસ્તા, ઓટમિલ, થૂલું વગેરેનો સમાવેશ થાય છે. રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સની તુલનામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સનું પાચન ધીમું થાય છે, આથી, તેનાથી સંતુષ્ટિની અનુભૂતિ થાય છે અને ઊર્જા મળી રહે છે.
રિફાઇન્ડ અથવા સામાન્ય કાર્બોહાઇડ્રેટ્સ પ્રોસેસ્ડ ફૂડ્ઝમાંથી મળી રહે છે. આ કાર્બ્ઝમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે અને ટૂંકા સમયગાળા માટેની ઊર્જા માટે તે સરળતાથી પચી જાય છે. રિફાઇન્ડ કાર્બ્ઝમાં સફેદ ચોખા, પાસ્તા, મીઠાઇ, કેક, કેન્ડી, મેંદાની બ્રેડ વગેરેનો સમાવેશ થાય છે. રિફાઇન્ડ કાર્બ્ઝ ટૂંકા ગાળા માટે અઢળક ઊર્જા પૂરી પાડે છે પણ થોડા જ સમયમાં તમને પાછી ભૂખ લાગે છે.
રાતના સમયે તમે જે ભોજન આરોગો, તે પોષકતત્વોથી ભરપૂર હોવું જોઇએ, જેથી તમારૂં શરીર સ્નાયુઓની જાળવણી કરી શકે અને પૂરતા પ્રમાણમાં ઊર્જાનો સંગ્રહ કરી શકે. રાતના સમયે કાર્બોહાઇડ્રેટ્સ ધરાતો ખોરાક ખાવાથી તમારૂં વજન વધે, તે જરૂરી નથી. દિવસના કોઇપણ સમયે કાર્બોહાઇડ્રેટ્સયુક્ત ભોજનનું વધુ પડતું સેવન કરવાથી અથવા તો કશું પણ, પ્રોટીન સુદ્ધાં વધુ પ્રમાણમાં લેવાથી વજન વધી શકે છે. કાર્બોહાઇડ્રેટ્સની કુલ જરૂરિયાતનો આધાર તમારી પ્રવૃત્તિ પર, તમારા આરોગ્ય અને તંદુરસ્તીનાં લક્ષ્યાંકો પર રહે છે. કસરત કર્યા બાદ કાર્બ્ઝનું સેવન કરવું યોગ્ય બની રહે છે, કારણ કે તેનાથી કસરત દરમિયાન શરીરને થયેલા નુકસાનની તથા સ્નાયુઓની ભરપાઇ કરવામાં મદદરૂપ બની રહે છે. આથી, તમે સવારે કે સાંજે કસરત કરતા હોવ, ત્યારે કસરત કર્યા બાદ કાર્બોહાઇડ્રેટ્સયુક્ત ભોજન લેવો જોઇએ.
માત્રાનું ધ્યાન રાખો : રાતના સમયે કોટેજ ચીઝ (પનીર), ચિકન, માછલી વગેરે જેવા પ્રોટીનયુક્ત આહારની સાથે કાર્બોહાઇડ્રેટથી ભરપૂર આહાર (કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ)નો સમાવેશ કરવામાં કશો જ વાંધો નથી. આ ભોજનથી તમને સંતોષની લાગણી થશે અને શરીરને સતત ઊર્જા મળતી રહેશે. પરંતુ એક વાત યાદ રાખો, માત્રાનું નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે. તો, તમે રાતના ભોજનમાં રોટલી અને ભાત લઇ શકો છો, પણ વાજબી માત્રામાં. વળી, ઊંઘવાના સમય કરતાં બે-ત્રણ કલાક પહેલાં રાતનું ભોજન લઇ લેવું જોઇએ. તમે તમારા કાર્બનો વપરાશ કેવી રીતે કરો છો, તે તમને તથા તમારી જીવનશૈલીને અનુકૂળ આવવું જોઇએ. એક તંદુરસ્ત જીવનશૈલી જીવવાનો અનુભવ આનંદપ્રદ તથા સાતત્યપૂર્ણ હોવો જોઇએ. તે ટૂંકા ગાળાની ઘેલછા નહીં, બલ્કે જીવનશૈલીમાં કરવામાં આવતો સુધારો છે!
દિવ્યા ગુપ્તાનો સંપર્ક સાધવા માટે :divya.gupta18593@gmail.com