- PTSD શું છે?
“PTSD એ મુખ્યત્વે જીવનમાં લાગતા આઘાતને કારણે લાગતો સાઇકોલોજિકલ ટ્રોમા છે. વ્યક્તિ માટે આ સમય ઘણો પીડાદાયક હોય છે. અને શારીરિક ઇજા, જાતીય હિંસા, પ્રિયજનના આકસ્મિક મોત, જીવન પર ગંભીર સંકટ વગેરે જેવી પરિસ્થિતિનો અનુભવ કે સામનો કરવાને કારણે વ્યક્તિ તેનો ભોગ બની શકે છે,” તેમ ડો. વીણા ક્રિષ્નને જણાવ્યું હતું. આ ઘટનાઓ જીવન બદલી નાંખનારી હોય છે અને વ્યક્તિનું દિમાગ તેની અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. અમારા નિષ્ણાતે આ બિમારીનાં કેટલાંક નીચે પ્રમાણેનાં લક્ષણો જણાવ્યાં છેઃ
- વ્યક્તિનો સ્વભાવ ચીઢિયો થઇ જાય છે અને તેને એકાગ્રતા સાધવામાં મુશ્કેલી પડે છે.
- વ્યક્તિ લોકોથી અંતર રાખે છે અથવા તો વધુ હળતી-મળતી નથી.
- આઘાત ઉપજાવનારી સ્થિતિ કે ઘટના વિશે વાત કરવાનું સદંતર ટાળે છે.
- ઊંઘ, ભૂખ અને તરસ ન લાગવી.
- અપરાધભાવ, શરમ અને વ્યગ્રતાની લાગણી થવી.
- નકારાત્મક લાગણી રાખવી અને નાની-નાની બાબતોમાં વ્યગ્ર થઇ જવું.
- ઊંઘવામાં મુશ્કેલી થવી
ટ્રોમા (આઘાત)ની અવાર-નવાર યાદ આવવી, દુઃસ્વપ્નો આવવાં અને તે ઘટનાના સ્મરણથી મન વ્યથિત થઇ જવું, આઘાતજનક ઘટના સાથે સંકળાયેલા લોકો કે સ્થળોની ઉપેક્ષા કરવી, અતિસંવેદનશીલતા, વગેરે તેનાં મુખ્ય લક્ષણો છે.
- કોવિડ-19 કેવી રીતે PTSD સાથે સંકળાયેલો છે?
ડો. ક્રિષ્નન સમજાવે છે કે, કોરોનાની બિમારી ઘણી અનિશ્ચિતતાથી ભરેલી હોય છે. અને જ્યારે પણ અનિશ્ચિતતા હોય, ત્યારે ચિંતા અને ભયની લાગણી વિકાસ પામે છે. તે ભયને પગલે હૃદયના ધબકારા વધી જાય છે, બ્લડપ્રેશર વધે છે, હથેળીમાં પરસેવો થાય છે. આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ તેનો પ્રતિસાદ આપે છે. મહામારી દરમિયાન જ્યારે વ્યક્તિએ ઘણાં લોકોનાં આ બિમારીને કારણે મોત નીપજતાં, ક્વોરન્ટાઇન થતાં જોયાં હોય અને આપણાં પ્રિયજનોને તે બિમારીથી પીડાતાં જોયાં હોય, ત્યારે વ્યક્તિનું દિમાગ સજાગ થઇ જાય છે.