હૈદરાબાદ: દવા મુક્ત ઉપચાર દ્વારા હકારાત્મક માનસિક (menatl health) અને શારીરિક સ્વાસ્થ્યને (physical health) પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તારીખ 18મી નવેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ (National Naturopathy Day 2022) મનાવવામાં આવે છે. ભારત સરકારના આયુષ મંત્રાલય (આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી) દ્વારા તારીખ 18 નવેમ્બર 2018ના રોજ રાષ્ટ્રીય નેચરોપેથી દિવસની સ્થાપના કરવામાં આવી હતી.
સારવાર અને ઉપચારનું વિજ્ઞાન:નિસર્ગોપચાર એ સૌથી જૂની આરોગ્યસંભાળ પ્રણાલી છે. જે પરંપરાગત અને કુદરતી દવાઓ સાથે આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનને જોડે છે. કુદરતની હીલિંગ શક્તિઓ પર આધાર રાખીને, નેચરોપથી માનવ શરીરની પોતાને સાજા કરવાની ક્ષમતાને ઉત્તેજિત કરે છે. તે ડાયેટિક્સ, બોટનિકલ મેડિસિન, હોમિયોપેથી, ઉપવાસ, કસરત, જીવનશૈલી પરામર્શ, ડિટોક્સિફિકેશન અને ચેલેશન, ક્લિનિકલ ન્યુટ્રિશન, હાઇડ્રોથેરાપી, નેચરોપેથિક મેનીપ્યુલેશન, આધ્યાત્મિક ઉપચાર, પર્યાવરણીય મૂલ્યાંકન અને આરોગ્ય સહિત કુદરતી ઉપચારોનો ઉપયોગ કરીને નિદાન, સારવાર અને ઉપચારનું વિજ્ઞાન છે.
રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ:તારીખ 18મી નવેમ્બર 1945ના રોજ મહાત્મા ગાંધી ઓલ ઈન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા અને તમામ વર્ગના લોકો માટે નેચર ક્યોરનો લાભ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેથી આ દિવસને રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ તરીકે મનાવવા માટે પસંદ કરવામાં આવ્યો છે.
નેચરોપેથીનો ઈતિહાસ: 1800 ના દાયકામાં જર્મનીથી નેચરોપેથી યુનાઇટેડ સ્ટેટ્સમાં લાવવામાં આવી હતી. નિસર્ગોપચાર શબ્દ જ્હોન શેલ દ્વારા વર્ષ 1895માં બનાવવામાં આવ્યો હતો અને બેનેડિક્ટ લસ્ટ દ્વારા લોકપ્રિય થયો હતો. જેને 'ફાધર ઓફ મોર્ડન નેચરોપથી' તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1992માં યુનાઇટેડ સ્ટેટ્સમાં નિસર્ગોપચારના જ્ઞાનનો ફેલાવો કરવા માટે પણ તેમને શ્રેય આપવામાં આવ્યો હતો. જર્મની અને અન્ય પશ્ચિમી દેશોમાં 'વોટર ક્યોર સિસ્ટમ' સાથે નિસર્ગોપચાર અભિયાન શરૂ થઈ હતી, જેને 'હાઈડ્રોથેરાપી' પણ કહેવાય છે.
સૈદ્ધાંતિક આધાર: તે વિન્સેન્ઝ પ્રીસ્નિટ્ઝ, એક ઑસ્ટ્રિયન ચિકિત્સક હતા. જેમણે પાણીની સારવાર પદ્ધતિને વિશ્વમાં લોકપ્રિય બનાવી હતી અને પછીથી અન્ય ઘણી વ્યક્તિઓએ તેમના કાર્યમાં યોગદાન આપ્યું હતું. લુઈસ કુહને એક જર્મન પોષણશાસ્ત્રી આ સંદર્ભમાં વિશેષ ઉલ્લેખને પાત્ર છે. કારણ કે, તેમણે રોગ અને સારવારની એકતાનો સિદ્ધાંત વિકસાવ્યો હતો અને આ અભિગમ માટે સૈદ્ધાંતિક આધાર પણ પૂરો પાડ્યો હતો.
ભારતમાં નેચરોપથી:ભારતમાં નિસર્ગોપચારનું પુનરુત્થાન જર્મન ન્યુટ્રિશનિસ્ટ લુઈસ કુહ્નેના પુસ્તક 'ધ ન્યૂ સાયન્સ ઑફ હીલિંગ'ના અનુવાદ દ્વારા થયું હતું. જેનો વર્ષ 1894માં દ્રોણમરાજુ વેંકટચલપથી સરમા દ્વારા તેલુગુમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. પાછળથી તેનો હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ભારતીય નિસર્ગોપચાર અભિયાન શરૂઆતમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં શરૂ થયું હતું. જ્યાં લોકોએ સખત મહેનત કરી અને વિજ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
નિસર્ગોપચાર અને તેના ફાયદા:લોકોને તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓના મૂળ કારણ વિશે શિક્ષિત કરીને, નિસર્ગોપચાર હંમેશા લોકોને વધુ સારા થવા માટે તેઓ જે સ્વસ્થ ફેરફારો કરી શકે છે, તેનાથી વાકેફ કરવાનો ધ્યેય રાખે છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર અંગે સલાહ આપવાથી લઈને તમને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપવા સુધી તબીબી જગતમાં નેચરોપેથીનું આગવું સ્થાન છે.