શું કોમોર્બિડ બિમારીઓ (સહ-રુગ્ણતા) જાતીય જીવન પર વિપરિત અસર પહોંચાડે છે?
વધતી વય અને રોજબરોજના તણાવગ્રસ્ત જીવનની મુશ્કેલીઓ ઘણી બિમારીઓને નોતરે છે, જે મુખ્યત્વે આપણા જીવન અને જીવનશૈલી પર વિપરિત અસર પહોંચાડે છે. આ તમામ સમસ્યાઓની આપણા જાતીય જીવન પર પણ સીધી અસર પડે છે. નિષ્ણાંતો અને ફિઝિશ્યન્સનું માનવું છે કે, જો વ્યક્તિના શરીરમાં એક સાથે એક કરતાં વધુ તકલીફ પ્રવર્તતી હોય, (જેને સામાન્યપણે ‘કોમોર્બિડિટી’ તરીકે ઓળખવામાં આવે છે), તો તેના કારણે સ્ત્રીઓ તથા પુરુષોમાં વિવિધ કારણોસર જાતીય જીવનમાંથી રસ ઓછો થવા માંડે છે. પરંતુ આ કોમોર્બિડ તકલીફો કઇ-કઇ છે અને તે કેવી રીતે જાતીય સબંધને પ્રભાવિત કરે છે? આ વિષય પર ટીમ સુખીભવ દ્વારા હૈદરાબાદ સ્થિત કન્સલ્ટન્ટ માઇક્રોસર્જિકલ એન્ડ્રોલોજિસ્ટ ડો. રાહુલ રેડ્ડી સાથે વાતચીત કરવામાં આવી હતી.
જ્યારે વ્યક્તિ પર એક કે તેનાથી વધુ બિમારી હુમલો કરે, ત્યારે તેની માનસિક સમસ્યા વધવાની સાથે-સાથે જાતીય સબંધ પર પણ સીધી અસર પડે છે. કેટલીક વખત બિમારી અથવા તેની સારવાર માટેની દવાઓના કારણે સ્ત્રી-પુરુષોમાં જાતીય ઇચ્છાનો અભાવ વર્તાવો, જાતીય ઉત્તેજનાનો અનુભવ ન થવો અને જાતીય સબંધ બાંધ્યા બાદ પૂર્ણ સંતોષ પ્રાપ્ત ન થવો, વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કોમોર્બિડ સમસ્યાઓ કઇ-કઇ છે?
ડો. રેડ્ડી સમજાવે છે કે, માનવ શરીરમાં એકી સાથે એક કરતાં વધુ બિમારીનું અસ્તિત્વ હોય, તે સ્થિતિ કોમોર્બિડ સમસ્યા તરીકે ઓળખાય છે. આ બિમારીઓ શારીરિક અને માનસિક, બંને સ્વરૂપની હોઇ શકે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિના શરીરમાં એકીસાથે ડાયાબિટીસ, હાઇ બીપી અને તણાવની સમસ્યા મોજૂદ હોય છે. ડો. રેડ્ડી સમજાવે છે કે, આ બિમારીઓના કારણે અને ઘણી વખત તેની દવાઓના કારણે આપણા શરીરનું રચનાતંત્ર, તંત્રિકાઓ તથા મનમાં જન્મતી ઇચ્છાઓ પ્રભાવિત થતાં હોય છે, જેના કારણે ઘણાં લોકોની કામેચ્છા કાં તો લગભગ અદ્રશ્ય થઇ જાય છે, અથવા તો તેમને તેનાથી સંતોષ નથી મળતો.
કોમોર્બિડ સમસ્યાઓ અને જાતીય જીવન પર તેની અસર
ડાયાબિટીસ
ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે અને આપણા આરોગ્ય પર તે ઘણો મોટો પ્રભાવ ધરાવે છે. ડાયાબિટીસના કારણે ઉદ્ભવતી શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ જાતીય સબંધ પર વિપરિત અસર પહોંચાડે છે. ઉદાહરણ તરીકે, જો જાતીય સબંધ દરમિયાન, વ્યક્તિના સુગર લેવલમાં વધ-ઘટ થાય, તો પુરુષોને ઉત્થાન સંબંધિત સમસ્યા થઇ શકે છે, તો મહિલાઓને ઉત્તેજનાનો અનુભવ ન થાય, તે સંભવ છે. આટલું જ નહીં, કેટલીક વખત ડાયાબિટીસના કારણે પુરુષોમાં નપુંસકતા, જાતીય સબંધ બાંધવાનું અસામર્થ્ય અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.