ન્યૂઝડેસ્ક: હૃદય અને રક્તવાહિનીઓને લગતી બીમારીઓ તેમજ તેના નિવારણ અને તેની વૈશ્વિક અસર અંગે લોકોમાં જાગરૂકતા વધારવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ - વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન (ડબલ્યુએચએફ) વર્લ્ડ હાર્ટ ડેનું આયોજન કરે છે, જે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવનારું આંતરરાષ્ટ્રીય અભિયાન છે.
હૃદયને લગતી બીમારીઓ અને તેનાં કારણો
- ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે, હૃદયને લગતી બીમારીઓએ હૃદય અને રક્ત વાહિનીઓ ના કામકાજમાં એક કરતાં વધુ ગરબડ - અવ્યવસ્થાને કારણે સર્જાય છે. તેમાં કોરોનરી હાર્ટ ડિસીઝ, સેરેબ્રલ વાસ્ક્યુલર ડિસીઝ, રુમેટિક હાર્ટ ડિસીઝ અને કોન્જેનિટલ હાર્ટ ડિસીઝ વગેરે બીમારીઓ સામેલ છે.
- વર્ષ 2016માં હૃદયને લગતી બીમારીઓથી અંદાજે 1.79 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, જે વિશ્વના કુલ મૃત્યુનો 31 ટકા હિસ્સો છે. તેમાંથી 85 ટકા મૃત્યુ હાર્ટ એટેક (હૃદયરોગના હુમલા) અને સ્ટ્રોકને કારણે થયાં હતાં.
- વર્ષ 2015માં 1.7 કરોડ વહેલા મૃત્યુ પામેલા (70 વર્ષથી ઓછી વયે) લોકો બિનસંક્રમિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 82 ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના હતા અને 37 ટકા લોકો હૃદયને લગતી બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.
- આ બીમારીઓ મોટાભાગે બિનઆરોગ્યપ્રદ આહાર, શારીરિક નિષ્ક્રિયતા, તમાકુનો વપરાશ અને દારૂનું વધુ પડતું સેવન જેવી જીવનશૈલીની પસંદગીઓ સાથે જોડાયેલી છે અને એટલે જ તેને કેટલેક અંશે અટકાવી શકાય તેમ છે.
- જીવનશૈલીની આવી પસંદગીઓ બ્લડ પ્રેશર વધારે છે, બ્લડ ગ્લુકોઝ (ડાયાબિટીસ) વધારે છે અને સ્થૂળતા વધારે છે. આને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને એવી અન્ય જટિલતાઓ વિકસવાનું જોખમ વધે છે.
ભારતમાં હૃદયની બીમારીને કારણે મૃત્યુ
- વર્ષ 1990થી 2016 દરમ્યાન અમેરિકામાં હૃદયને લગતી બીમારીઓને કારણે થતાં મૃત્યુનો દર 41 ટકા જેટલો નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
- જો કે, ભારતમાં આ જ ગાળામાં હૃદયને લગતી બીમારીઓનો દર 34 ટકા વધ્યો છે અને પ્રતિ એક લાખની વસ્તીએ હૃદયને લગતી બીમારીથી 115.7 મૃત્યુનો આંક વધીને 209.1 મૃત્યુ થયો છે.
- કુલ મૃત્યુમાં ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકને કારણે થતાં મૃત્યુનો હિસ્સો ભારતમાં આશરે 15-20 ટકા, જ્યારે અમેરિકામાં 6-9 ટકા હોવાનો અંદાજ છે.
- આ ઉપરાંત, પંજાબ, કેરળ અને તામિલનાડુમાં પ્રતિ એક લાખની વસ્તીએ ઓછામાં ઓછા 5000 લોકોને હૃદયને લગતી બીમારી છે. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ - આ બે એવાં રાજ્યો છે, જેમાં હૃદયને લગતી બીમારીપ્રતિ એક લાખ લોકોએ 3000 કરતાં પણ ઓછા લોકોને છે.