ન્યૂઝ ડેસ્કઃ બ્રેઈન ફોગ એ કોઈ મેડિકલ કંડિશન નથી. બ્રેઈન ફોગ એટલે કે સામાન્ય રીતે મૂંઝવાયેલા રહેવું, અનિયમિત રહેવું અને બેધ્યાન રહેવું. વિચારશક્તિને પણ તે અસર કરે છે. આ સ્થિતિ વિશે હૈદરાબાદના મનોચિકિત્સક ડો.પ્રવીણકુમાર ચિંતાપંતી જણાવે છે કે, 'આ અવસ્થામાંથી કોઈપણ પસાર થઈ શકે છે, પરંતુ તેમાંથી બહાર નીકળી શકાય છે. બ્રેઈન ફોગ થવાના ઘણાં કારણો છે, જેમ કે, ઓછી ઉંઘ લેવી, તણાવ, એક સમયે બહુ બધા કામ કરવા, સંબંધોમાં સમસ્યા, વર્તમાન સમયની કોરોના મહામારી.'
ડૉ.પ્રવીણ જણાવે છે કે, 'આ અવસ્થામાં વ્યક્તિ મૂંઝવણમાં જોવા મળે છે. આ અવસ્થામાં વ્યક્તિ કોઈ પ્રતિક્રિયા નથી આપતો અથવા તેનું વર્તન બહુ અલગ થઈ જાય છે. લોકો સાથે તેનું વર્તન સામાન્ય નથી હોતું. વ્યક્તિના વર્તનથી લોકો તેને નાપસંદ પણ કરી શકે છે.'
ડૉ.પ્રવીણ જણાવે છે કે, 'વધારે પડતાં ડ્રગ્સને કારણે, આલ્કોહોલને કારણે અથવા વધારે પડતાં મશરુમ ખાવાથી બ્રેઈન ફોગ થઈ શકે છે. કેટલાક કેસોમાં થોડા સમય માટે મૂંઝવણ પેદા થાય છે. કેટલાંક કેસોમાં લાંબા સમય માટે બ્રેઈન ડેમેજ થવાની શક્યતા છે અને વ્યક્તિ બહુ અસ્પષ્ટ બની જાય છે. જો મગજને ઈજા પહોંચી હોય તો તે પણ એક કારણ છે બ્રેઈન ફોગ થવાનું.'