ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આદિવાસી દેવતાઓ અને બિરસા મુંડાની પ્રતિમાની પૂજા, ફુલહાર અર્પણ વિધિ તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ અવસરે મહાનુભાવોના હસ્તે તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સ્પર્ધકો, શ્રેષ્ઠ પશુપાલકો અને સામાજિક કાર્યકરોનું સન્માન અને લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી છેલ્લા ઘણા વર્ષોથી કરતો આવ્યો છે. આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યો સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. કુળદેવીની પૂજા કરતો આદિવાસી સમાજ હંમેશા બીજાની ભલાઈનું જ વિચારે છે. આદિવાસી સમાજનો ભવ્ય ઇતિહાસ અને અસ્મિતા જાળવી રાખવા માટે સૌના સહયોગની અપેક્ષા મહાનુભાવોએ વ્યકત કરી હતી.
રાજ્ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જંગલની જમીન આદિવાસી ખેડૂતોના નામે કરવાનું ભગીરથ કાર્ય આ સરકારે કર્યું છે. એજ રીતે સ્વાતંત્ર સંગ્રામમાં આદિવાસી વીરોનું યોગદાન વિષય ઉપર વક્તવ્ય પણ યોજવામાં આવ્યું હતું. ગૌરવશાળી ગુજરાતની અસ્મિતાને જાળવી રાખવામાં પહેલું પગલું હંમેશા આદિવાસી સમાજનું રહ્યું છે. એવું જણાવતા મહાનુભાવોએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના બલિદાનોની વાત આવનારી પેઢીમાંથી વિસરાઈ ન જાય અને આવનારા યુગમાં આદિવાસી વિરાસતની વાતો સૌ જાણે, ઈતિહાસના પાને પ્રજવલ્લિત રહે તે હેતુથી મા નર્મદાના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી સ્વાતંત્ર્ય વીરોનું રાષ્ટ્રીય મ્યુઝીયમ આકાર લઈ રહ્યું છે. જે આદિવાસી વિકાસ માટે ગૌરવની વાત છે.