વલસાડઃ જિલ્લામાં ચોમાસામાં સો ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે મેઘરાજા વલસાડ જિલ્લાની પ્રજા ઉપર રીસાયા હોય એવું જણાય છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ચોમાસાના ચાર મહિના પૈકીના બે માસ સાવ ખાલી નીકળી ગયા છે.
શ્રાવણ માસ શરૂ થયો છે અને કહેવાય છે કે શ્રાવણમાં મેઘરાજાના માત્ર શ્રાવણના સરવરિયા આવતા હોય છે જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. ધરમપુર કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામોમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. તો આવા સમયે મેઘરાજાને રિઝવવા માટે સ્થાનિક મહિલાઓ એ વર્ષો જૂની પ્રણાલીકા મુજબ મેહુલિયા ની સ્થાપના કરી છે
કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે વરસાદ ખેંચાય તો ત્યારે મહિલાઓ એકત્ર થઇ કાળી માટી લઈ આવી તેનાથી મેઘરાજાનું પ્રતિમા બનાવીને એક પાટલા ઉપર તેની સ્થાપના કરી હતી અને તે બાદ તેની પૂજા વિધિ કરવામાં આવતી અને તેના પર સમગ્ર વનસ્પતિના પાન વેલા તેમજ ફૂલો સહિતની ચીજવસ્તુઓ મેઘરાજાને આ પ્રતિમા ઉપર ચડાવવામાં આવે છે. ત્યારબાદ ગામની કોઈપણ એક મહિલા આ પાટલાને પોતાના માથે મૂકી ગામના દરેક ઘર આગળ જાય છે. બાદમાં જે-તે ઘરમાં રહેતા લોકો માથે પાટલો લઈને તેમના આંગણે આવેલી મહિલાને માથે મુકેલા પાટલા ઉપર એક લોટો જળ ભરીને ચડાવતા અને મેઘરાજાને પ્રાર્થના કરે છે કે, "મેઘરાજા ખેડૂતો અને મનુષ્યને તમારી જરૂર છે તમે પૃથ્વી ઉપર પધરામણા કરો."