પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ડોકટરની બેદરકારીના કારણે જ મહિલાનું મોત થયું છે. જો કે આ ઘટનામાં કેટલાક અગ્રણીઓ વચ્ચે પડીને મામલાને શાંત પાડી દેવાયો હતો. પરંતુ તેમ છતાં પરિવાર જ્યારે કોઈ વ્યક્તિને ગુમાવે છે, ત્યારે તેની વેદના સહેજ પણે રોષમાં બહાર આવતી હોય છે.
કપરાડા તાલુકાના કાજલી ગામની રસીલાબેન પ્રભુભાઈ પટેલ ઉંમર વર્ષ 35 જેઓને તારીખ 6ના રોજ સવારથી છાતીના ભાગે દુઃખાવો થતાં તેને વહેલી સવારે નાનાપોઢા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં દાખલ થયા કરવામાં આવી હતી. તે સમયે તેમને ડોક્ટરે એક ગ્લુકોઝની બોટલ ચડાવી અને ત્યાર બાદ બપોરે તેમની તબિયત સ્વાસ્થ્ય લાગતા તેઓ રજા લઇને ઘરે પહોંચ્યા હતા. પરંતુ બપોર બાદ અચાનક ફરીથી તેમની તબિયત લથડી પડતા રાત્રીના 9:30 કલાકે તેઓ ફરીથી નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે સ્વયં ચાલીને પહોંચ્યા હતા.
ડોકટરની બેદરકારીએ મહિલાનો ભોગ લીધો હોવાનો પરિજનોનો આક્ષેપ જો કે તે સમયે હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ન તો તેમને ધબકારા તપાસ્યા કે ન તો તેમનું પ્રેશર ચેક કર્યું હતું. તેમને ચેક કર્યા વિના જ દૂરથી જોઈ નર્સને ઈશારો કરી ઇન્જેક્શન આપી દેવા જણાવ્યું હતું. નર્સે રસીલાબેનને ડોક્ટરે જણાવ્યા મુજબનું ઈન્જેક્શન આપ્યા બાદ માત્ર બે જ મીનિટમાં રસીલાબેનને ખેંચ આવી જતાં મોત થયું હતું. જ્યાર બાદ રોષે ભરાયેલા પરિવારે ડોક્ટર ઉપર આક્ષેપ કર્યો કે, તેની બેદરકારીને કારણે જ રસીલાબેનનું મોત થયું છે.
રસીલાબેનના પતિ પ્રભુ ભાઈએ જણાવ્યું કે, મહિલા જ્યારે સ્વયં ચાલીને હોસ્પિટલ સુધી પહોંચી હોય ત્યારે તબીબની ફરજ બને છે કે, તેમની સમક્ષ આવેલા દર્દીને તેઓ સ્વયં તપાસે અને ખાત્રી કર્યા બાદ જરૂરિયાત મુજબની સારવાર આપે. પરંતુ નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં તો જાણે રામરાજ્ય ચાલતું હોય તેમ અહીંના નર્સ અને તબીબો આખો દિવસ મોબાઇલમાં રચ્યાપચ્યા રહે છે. બીજી તરફ અહીં સારવાર લેવા આવનારા લોકોને એકવાર બોટલ ચડાવી ગયા બાદ તેને બીજી વાર તપાસવામાં પણ આવતા નથી. તેવું અનેક લોકો જણાવે છે, ત્યારે મારી પત્ની સાથે જે બન્યું તેને જાણી અત્યંત દુઃખ થયું છે. બીજી વાર આવી ઘટના ન બને તેવા માટે આવી બેદરકારી રાખનારા સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
મૃતક રસીલાબેનના ભત્રીજાએ નિલેશે જણાવ્યું કે, તેઓ જ્યારે તેમની કાકીને સારવાર અર્થે લઈ ગયા ત્યારે તબીબોએ યોગ્ય સારવાર માટે તેમની તપાસ પણ કરી ન હતી. તમામ રિપોર્ટ બનાવવામાં પણ આવ્યા ન હતા. હોસ્પિટલમાં જ્યારે પણ જાઈએ ત્યારે નર્સ તેમજ તેનો સ્ટાફ દિવસ દરમિયાન દર્દીઓને છેવાડે મૂકીને પોતાની ફરજ ભૂલી આખો દિવસ મોબાઇલમાં રચ્યાપચ્યા રહે છે.
નિલેશે વધુમાં જણાવ્યું કે, જેના કારણે અનેક દર્દીઓની ફરિયાદ છે. આ સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળતી નથી અને આ બેદરકારીને કારણે જ મારી કાકી રસીલાબેનનું મોત થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
મહત્વનું છે કે, આ ઘટના બન્યા બાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પણ સ્થાનિક જ છે. તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી હોસ્પિટલમાં કયારેય યોગ્ય રીતે સારવાર આપવામાં આવે છે કે નઈ તેને જોવા સુધ્ધા આવ્યા નથી. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ સ્થળ ઉપર પહોંચીને ડોક્ટરની તરફદારી કરી રહ્યાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.