વાપીમાં વાપી નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા લખમદેવ તળાવ ખાતે 108 દીપ પ્રગટાવી જળ પૂજન કરી, મેઘલાડુનો પ્રસાદ વહેચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અને નર્મદા પર બંધાયેલ સરદાર સરોવર બંધની પૂર્ણ સપાટી નિમીતે નમામી દેવી નર્મદે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વાપીમાં લખમદેવ ખાતે આયોજિત કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં વરસેલા સારા વરસાદને કારણે નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે. આ ઐતિહાસિક સપાટી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ મોટું યોગદાન છે અને તેમનો જન્મ દિવસ પણ હોય તેના ભાગરૂપે આ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં પાણીએ અમૂલ્ય છે. આગામી દિવસોમાં તેના માટે યુદ્ધ થશે તે હદે પાણીની વિકટ સમસ્યા સર્જાતી જઇ રહી છે. આ તંગીને નિવારવા ગુજરાત રાજ્યમાં જળસંચય અભિયાન થકી પાણીના તળ ઉંચા લાવવામાં ગુજરાત સફળ થયું છે. જેનો કૃષિ સહિત અનેક ક્ષેત્રે ફાયદો થવાનો છે. ત્યારે, એના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરી જળનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ વાપી સહિત સમગ્ર દેશમાં માંઝા મૂકી રહેલ પ્લાસ્ટિક પ્રદુષણને નાથવા પાલિકા દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવ્યો છે. જે માટે અહીં ઉપસ્થિત નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકને તિલાંજલિ આપવા શપથ લેવડાવી પ્લાસ્ટિક મુક્ત વાપી બનાવવા આહવાન કર્યું હતું.