કપરાડાઃ અહીંના અનેક ગામ એવા છે, જ્યાં લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. કપરાડા તાલુકાના નાની પલસણ ગામે પૂજારીનું કામ કરતા આપજીભાઈનું નિધન થયા બાદ તેની અંતિમ વિધિ માટે નીકળેલા ડાઘુઓએ નદીની સામે પાર આવેલા સ્મશાન સુધી પહોંચવા માટે નનામીને ટ્યૂબ ઉપર મૂકીને લઈ જવાની ફરજ પડી હતી.
કપરાડાના નાની પલસણ ગામનો વીડિયો વાઈરલ, નનામીને ટ્યુબ ઉપર મૂકી જીવના જોખમે નદી પાર કરાવી - nani Palsan village
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાની પલસણ ગામે મૃતકની અંતિમ યાત્રાને ડાઘુઓએ કાંધ આપવાને સ્થાને નદીના પાણીમાં ટાયરની ટ્યુબ ફુલાવી નદીના સામે કાંઠે આવેલા સ્મશાન સુધી ધસમસતા પ્રવાહમાં લઇ જવાની ફરજ પડી છે. નનામીને સ્મશાન સુધી જવા પણ માર્ગ નથી. નદીના ધસમસતા પ્રવાહમાં ટ્યુબ ઉપર મૂકીને નનામી લઈ જવાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ થયો છે.
કપરાડાના નાની પલસણ ગામનો વીડિયો વાઈરલ
નનામીને સ્મશાન સુધી લઈ જવા માટે ટ્યુબ ઉપર નદી પાર કરાવવી પડે છે, એ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક યુવકે સોશીયલ મીડિયામાં મુક્યો હતો, મૃત્યુ બાદ પણ વ્યક્તિને અંતિમધામ સુધી પહોચવા નદીપાર કરવાની, એ પણ ટ્યુબ ઉપર? ગામના લોકો ચોમાસા દરમિયાન જો કોઈનું મરણ થાય તો દર વર્ષે આજ પ્રકારે હાલાકી ભોગવે છે.
નોંધનીય છે કે, દર વર્ષે ચોમાસા દરમિયાન આ ગામના લોકોની સ્થિતિ ખૂબ દયનીય બને છે, છતાં આજદિન સુધી તેમની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ આગળ આવ્યું નથી.