- વાપીની હેમા ડાઇ કેમ કંપનીમાં લાગી આગ
- રો-મટિરિયલ્સ બળીને ખાખ
- 2 કલાકે આગ પર કાબૂ મેળવ્યો
વાપી: વાપીમાં રવિવારે સાંજે હેમા ડાઈ કેમ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કેમિકલના રો-મટીરીયલ્સમાં અગમ્ય કારણોસર લાગેલી આગની વિકરાળ જ્વાળાને કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી હતી. આગ પર ફાયર ફાઈટરોએ 2 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.
હેમા ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે સાંજે ભીષણ આગ લાગી
વાપીના 2nd ફેઇઝમાં આવેલી હેમા ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે સાંજે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. નોટિફાઇડ ફાયર વિભાગના જણાવ્યા મુજબ કંપનીમાં રહેલા રો-મટિરિયલ્સમાં આ આગ લાગી હતી. જેણે ગણતરીની મિનિટોમાં જ કંપનીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આગથી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ કેમીકલ કંપનીમાં આગ લાગતા નજીકની કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી હતી.
આ પણ વાંચો:રાજકોટની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં લાગી આગ
આગને કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી
આગને બુઝાવવા માટે વાપી GIDC નોટીફાઇડ અને પાલિકાના મળીને 7 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જે બાદ આરતી કંપનીમાંથી પણ ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગે પાણી સાથે મોટી માત્રામાં ફોમનો મારો ચલાવી અંદાજિત 2 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
વાપીની હેમા ડાઈકેમ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી આ પણ વાંચો:સેવાસીમાં પ્લાસ્ટિકના ભંગાર ગોડાઉનમાં આગ, બે ફાયર સ્ટેશનના ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો
આ પહેલા પણ કંપનીમાં આગ ના બનાવો બન્યા છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કંપનીમાં 1 કે 2 વર્ષે ભીષણ આગના બનાવો બને જ છે. આ પહેલા પણ આવા ત્રણેક બનાવ બની ચૂક્યા છે. જ્યારે હાલમાં લોકડાઉનને કારણે કંપનીનું પોતાનું પ્રોડક્શન બંધ હતું. એટલે પરમિશન વગર અન્ય કંપનીઓનું રો-મટિરિયલ્સ મંગાવી જોબ વર્કના ધોરણે ખાનગીમાં કંપની ચાલુ હતી. જે દરમિયાન આ રો-મટિરિયલ્સમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને કારણે આસપાસની કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આગની ઘટના દરમિયાન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો હતો.