વાપીનું તબીબ દંપતી વાનુઆટુ આઇલેન્ડ પર ફસાયું, ભારત પરત લાવવા અપીલ - Corona in Gujarat
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે દેશમાં હજારો લોકો અનેક રાજ્યમાં ફસાયા છે. બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ જેવા દેશના લોકો પણ ભારતમાં ફસાયા છે. જેઓને લેવા માટે જે તે દેશ ખાસ મર્સી પ્લેન મોકલી રહ્યાં છે. એવું જ એક વાપીનું તબીબ દંપતી ઓસ્ટ્રેલિયા અને ફિઝી નજીક આવેલ વાનુઆટું નામના ટાપુ પર દોઢ મહિનાથી ફસાયેલ છે. આ દંપતીએ પોતાને ભારત લાવવા માટે સરકારમાં અપીલ કરી છે. જો કે હજુ સુધી આ અંગે ભારત સરકાર કે, ગુજરાત સરકાર તરફથી કોઈ પહેલ કરવામાં આવી નથી.
વાપીનું તબીબ દંપતી વાનુઆટુ આઇલેન્ડ પર ફસાયું
વાપીઃ જિલ્લાના બલિઠામાં આવેલ વાયબ્રન્ટ હોસ્પિટલમાં ફિઝીશયન તરીકે સેવા કરતી પૂજા ટંડેલ સાથે હોસ્પિટલમાં ઇન્ટેનસીવ કેર યુનિટમાં ફરજ બજાવતા તબીબ કૃણાલ રામટેકે ગત 10મી નવેમ્બરે લગ્ન કર્યા હતાં. જે બાદ તેઓ ગત 16મી માર્ચે ઓસ્ટ્રેલિયા નજીક આવેલ વાનુઆટું દેશમાં ફરવા ગયા હતાં. જ્યાંથી 23મી માર્ચે તેમની રિટર્ન ફ્લાઇટ હતી. પરંતુ તે સમયમાં કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ સર્વિસ બંધ કરી દેતા આ દંપતી ત્યાં જ ફસાઈ ગયું છે.